નાંદેડ: નાંદેડમાં ખેતીલાયક જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા બાદ જમીન અનેક ખરીદરાદને વેચીને 35 જેટલા લોકો સાથે 11.85 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.નાંદેડ શહેર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રાહુલ નાગોરાવ ગાયકવાડ (38), બંડુ ધોંડીજી પાવડે (43) અને અમોલ અશોકરાવ માલેગાંવકર (42) તરીકે થઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રાહુલ ગાયકવાડે જાન્યુઆરી, 2016માં ફરિયાદી દેવેન્દ્ર શર્મા સાથે મિત્રતા કરી હતી અને અર્ધાપુર તહેસીલના મેંધલા ખુર્દ ખાતેની ખેતીલાયક જમીન તેની માલિકીની હોવાનો દાવો કરીને તેને બોગસ દસ્તાવેજો બતાવ્યા હતા.ગાયકવાડે બાદમાં શર્મા સાથે જમીનનો સોદો કર્યો હતો અને તેની પાસેથી 35 લાખ રૂપિયા લીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
શર્માને બાદમાં જાણવા મળ્યું હતું કે એ જ જમીન અન્ય લોકોને પણ વેચવામાં આવી છે. આથી તેણે વઝીરાબાદ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને એક જ મિલકત માટે અલગ અલગ લોકો સાથે કરાર કર્યા હતા. અત્યાર સુધીમાં 16 જણનાં નિવેદન નોંધવામાં આવ્યા છે અને 14 દસ્તાવેજો જપ્ત કરાયા છે.
આરોપીઓએ કુલ 35 લોકો સાથે 11.85 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસે કહ્યું હતું.આરોપીઓ વિરુદ્ધ અગાઉ 12 સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ગાયકવાડ અને માલેગાંવકર હાલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે પાવડેને 28 સપ્ટેમ્બર સુધીની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)