જળાશયોની સપાટીનું સ્તર ૧૧ ટકાએ પહોંચ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સામાન્ય રીતે ૧૦ જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે પણ આ વર્ષે ચોમાસાનું આગમન લંબાઈ ગયું છે ત્યારે મુંબઈગરાની ચિંતામાં વધારો થવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો સંગ્રહ ૧૧.૧૭ ટકા પર પહોંચી ગયો છે, જે મુંબઈગરાને માંડ દોઢ મહિનો ચાલે એટલું છે. હાલ મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે પણ પાણીની ઘટતી સપાટી અને નબળા ચોમાસાની શકયતા વચ્ચે આગામી દિવસોમાં પાણીકાપમાં વધારો થવાના સંકેત જણાઈ રહ્યા છે.
મુંબઈને પાણી પૂરું પાડનારા સાત તળાવોમાં શુક્રવારે સવારના ઉપયોગી પાણીનો સંગ્રહ ૧,૭૦,૫૪૧ મિલ્યન લિટર (૧૧.૭૮ ટકા) હતો. પાલિકાએ સમગ્ર નગરપાલિકાએ ૧૫ મે, ૨૦૨૬થી ૧૦ ટકા પાણી કાપ લાગુ લાગુ કર્યો હતો અને હવે જો ચોમાસું હજી લંબાઈ જાય છે અને સંતોષકારક વરસાદ પડતો નથી, તો પાલિકાએ ના છૂટકે પાણીકાપમાં વધારો કરવોે પડી શકે છે એવું પાણીપુરવઠાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના સાતેય જળાશયોમાં ફક્ત ૧૧.૭૮ ટકા પાણીનો સંગ્રહ બાકી છે. કુલ ઉપલબ્ધ સંગ્રહ ૧,૭૦,૫૪૧ મિલ્યન લિટર છે. જોકે ગયા છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં પાણી વધુ છે, છતાં આ વર્ષે ચોમાસું નબળું જવાની શકયતાને પગલે પાલિકાની ચિંતામાં વધારો થયો છે. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયોમાં ૯.૫૦ ટકા એટલે કે ૧,૩૭,૫૧૩ મિલ્યન લિટર, ૨૦૨૪ની સાલમાં ૮૦,૧૩૯ મિલ્યન લિટર પાણી હતું. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણી વધુ હોવા છતાં ચોમાસું લંબાઈ જવાની તથા નબળા રહેવાની શકયતાને પગલે પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. આકરી ગરમીને કારણે જળાશયમાં રહેલા પાણીનું બાષ્પીભવનનું પ્રમાણ પણ વધ્યું હોવાથી પણ જળાશયમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હોવાનું કહેવાય છે.
આ વિસ્તારમાં ઓછું પાણી
પહેલાથી જ ઓછું પાણી મળી રહ્યું છે, તેમાં પાછું ૧૦ ટકા પાણીકાપને કારણે ઓેછા પાણીના દબાણને કારણે મુંબઈના ઉંચાઈ પર આવેલા વિસ્તારો તેમજ મુખ્ય જળમાર્ગના છેડા પર સ્થિત વસાહતો અને રહેણાંક સોસાયટીઓ પાણીની તંગીથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહી છે. અંધેરી, ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા, ગોવંડી, સાકીનાકા, માનખુર્દ, વડાલા અને પરેલ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારો ઓછા અને અનિયમિત પાણી પુરવઠાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કૂવા અને બોરવેલનું ઓડિટ કરવામાં આવશે
જળાશયોમાં ઘટતા જતા પાણીના સંગ્રહ અને ચોમાસામાં વિલંબની આશંકા વચ્ચે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ શહેરમાં આવેલા કુવાઓનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓને આ કૂવા અને બોરવેલ સાફ, શુદ્ધ અને પુનજીર્વિત કરવાનો અને વરસાદી પાણીના રિચાર્જ કરવા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શહેરના જળ સંસાધનો પર દબાણ ઓછું કરવા માટે અધિકારીઓને નજીકના હાઉસિંગ સોસાયટીઓ દ્વારા કૂવાના પાણીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું પણ કહેવામાં આવ્યું છે. કમિશનરે વોર્ડ અધિકારીઓને તમામ જાહેર, સરકારી અને ખાનગી કુવાઓ અને બોરવેલની અપડેટેડ ઇન્વેન્ટરી તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેમણે હાઉસિંગ સોસાયટીઓને આ વૈકલ્પિક પાણી સ્ત્રોતોનો ઉપયોગ કરવાની વિનંતી પણ કરી છે.
પાણીપુરવઠાની દીર્ધકાલીન યોજના અમલમાં મૂકવાની માગ
પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રશાકર શિંદેેએ મેયરને પત્ર લખીને માંગણી કરી છે કે નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસને તાત્કાલિક પાણી પુરવઠા, પાણી વિતરણ અને પાણીના ઉપયોગ માટે લાંબા ગાળાનું અને અસરકારક આયોજન કરવું જોઈએ જેથી ભવિષ્યમાં નાગરિકોને પાણીની તંગીનો સામનો ન કરવો પડે. હાલમાં ઉપલબ્ધ પાણીના સંગ્રહનો ઉપયોગ કડક અને આયોજનબદ્ધ રીતે કરવાની માગણી પણ તેમણે કરી છે.