Fri May 29 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: 'મિસિંગ લિંક' પર સેલ્ફી લેવા બદલ વિવાદ, હવે નેતાએ નિયમનું કર્યું ઉલ્લંઘન

2026-05-06 18:04:48
Author: Mumbaui Samachar Team
Article Image

પુણે: મુંબઈ-પુણે એક્સપ્રેસવેના "મિસિંગ લિંક" પર વાહનો રોકવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. MSRDC તરફથી કડક ચેતવણી આપવામાં આવી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો એક નવો કિસ્સો જાણવા મળ્યો છે. 

સરકારમાં રહેલા લોકો જ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. પુણેના પિંપરી-ચિંચવડના મેયર રવિ લાંડગેના મિસિંગ-લિંક પર લીધેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે વહીવટીતંત્ર પર "બેવડા ધોરણ" અપનાવવાના આરોપો લાગ્યા છે. રવિ લાંડગે સાથે ભાજપના ઉપાધ્યક્ષ કેશવ ઉપાધ્યાયના ફોટા પણ વાયરલ થયા છે.

પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં,રવિ લાંડગે અને ભાજપના ઉપાધ્યક્ષ ઉપાધ્યાયને હાઇ-સ્પીડ સ્ટ્રેચ પર લીધેલા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. "મિસિંગ લિંક"નું ઉદ્ઘાટન 1 મેના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમે (MSRDC) માત્ર 24 કલાક પહેલા હાઇ-સ્પીડ એક્સપ્રેસ વે પર વાહનો પાર્ક કરીને ફોટા, સેલ્ફી અથવા રીલ લેનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી જારી કરી હતી. આમ છતાં, મુંબઈમાં PMRDA મીટિંગમાં જતા મેયર રવિ લાંડગે નવા મિસિંગ લિંક બ્રિજ પર રોકાયા અને ફોટા પાડ્યા. બાદમાં તેમણે આ ફોટા તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ પણ કર્યા.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય નાગરિકોએ પ્રશ્ન કર્યો છે કે જ્યારે સામાન્ય વાહનચાલકોને તાત્કાલિક દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે જનપ્રતિનિધિઓ એમાંથી બાકાત કેમ છે. લોકોનું કહેવું છે કે નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.

મેયર રવિ લાંડગે તાત્કાલિક ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા. આ ઘટના મુંબઈ-પુણે એક્સપ્રેસવેના મિસિંગ લિંક પ્રોજેક્ટની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે. હાઇવે પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં મિસિંગ લિંક પર નિયમો તોડનારા લગભગ 100 સામાન્ય વાહનચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.