Sun May 03 2026

Logo

મુંબઈ-પુણે મિસિંગ લિંક: ઉદ્ઘાટનના દિવસથી જ પ્રવાસીઓમાં 'લોકપ્રિય' બની

2026-05-03 17:58:34
Author: Mumbai Samachar Team
Article Image

ઘાટને બાયપાસ કરતા રસ્તાથી ટ્રાફિક જામથી છુટકારો મળશે

પુણેઃ મુંબઈ અને પુણે વચ્ચે નિયમિત આવનજાવન કરનારા લોકોનો એક મોટો વર્ગ છે. ઉપરાંત મુંબઈની નજીકનું લોકપ્રિય હિલસ્ટેશન લોનાવાલા-ખંડાલા પણ એ જ માર્ગ છે, તેથી વીકએન્ડ હોય કે ગણેશોત્સવ જેવા તહેવાર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખૂબ ભીડ હોય છે. જોકે, શનિવારે સવારે મુંબઈથી પુણે જતા વાહનો માટે 'કનેક્ટિંગ લિંક' પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ મુસાફરોની પહેલી પસંદ બની ગયો હતો.

ખંડાલા ઘાટના ચઢાણ અને વળાંકવાળા રસ્તા પર ભારે વાહનોની ગતિ ધીમી પડી જતી હતી. વાહનચાલકો દ્વારા ખોટી રીતે ઓવરટેક કરવાના કારણે મોટા ટ્રાફિક જામ થતા હતા અને અકસ્માતો પણ થતાં હતાં. અંગ્રેજો દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે બનાવવામાં આવેલ ઐતિહાસિક અમૃતાંજન પુલને એપ્રિલ 2020માં નિયંત્રિત વિસ્ફોટથી તોડી પાડવામાં આવ્યો હતો, પરંતુ ભીડની સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ નહોતી.

આ સમસ્યામાંથી છુટકારો અપાવવા ઘાટને બાયપાસ કરીને સીધો રસ્તો નિર્માણ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ 'મિસિંગ લિંક' ની યોજના પર કામ ફેબ્રુઆરી 2019 માં શરૂ થયું હતું. સાડા છ વર્ષના અથાક પરિશ્રમ પછી 1 મે (મહારાષ્ટ્ર દિવસ અને કામદાર દિવસ) ના રોજ આ કડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 

શનિવારે સવારે ખુલતાની સાથે જ મુસાફરોએ ખૂબ જ ઉત્સાહથી આ લિંકનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘાટોમાં મુખ્ય માર્ગ પરનું દબાણ ઓછું થયું છે. આ નવી કનેક્ટિંગ લિંક સાથે, મુસાફરો હવે વળાંક અને ટ્રાફિક જામની ઝંઝટમાંથી મુક્ત થયા છે અને મુંબઈ-પુણે મુસાફરી ઝડપી બની છે. પહેલા જ દિવસે પ્રવાસીઓએ કરેલા ઉપયોગ પરથી આ પ્રોજેક્ટ ચોક્કસ લોકપ્રિય થયો છે તેમ કહી શકાય. 

જોકે પુણેથી મુંબઈ જતી લેન હજુ સુધી ખોલવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોએ આ માટે બીજા એક કે બે દિવસ રાહ જોવી પડશે. જોકે, પહેલી મેની રજા અને શનિવાર અને રવિવારના લાંબા સપ્તાહાંતને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા  મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. તેમાં એક કારણ મિસિંગ લિંકનો ઉદ્ધઘાટન સમારંભ પણ હતો.