નાલાસોપારા: નાલાસોપારામાં નાલાસોપારામાં જન્મદિવસની ઉજવણી 11 લોકોને ભારે પડી ગઈ હતી. બર્થડે સેલિબ્રેશન દરમિયાન કેકમાંથી મૃત ગરોળી મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો.
કેક ખાધા બાદ બાળકો સહિત કુલ 11 લોકોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે વિજયલક્ષ્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. જોકે, દર્દીઓની તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ઘટનાની માહિતી પ્રમાણે નાલાસોપારાના નીલકંઠેશ્વર બિલ્ડિંગમાં એક બાળકીના જન્મદિવસની ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી. પરિવારે જન્મદિવસ માટે બિલ્ડિંગની સામે આવેલી ચામુંડા ડેરીમાંથી કેક ખરીદી હતી. ઉજવણી દરમિયાન મહેમાનો કેક ખાઈ રહ્યા હતા ત્યારે તેમાં મૃત ગરોળી દેખાઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગરોળી દેખાતા જ ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો અને ભયનો માહોલ સર્જાયો હતો.
કેક ખાધા બાદ થોડા સમયની અંદર કેટલાક લોકોને અસ્વસ્થતા અનુભવાઈ હતી. ત્યારબાદ કુલ 11 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં ઉર્મિલા વર્મા (32), સલોની ગુપ્તા (16), સુદિક્ષા શાહ (19), અફિયા ઇદ્રિસ (24), રૂબી શાહ (40), શિવ ગુપ્તા (10), પ્રિયાંશ વર્મા (2), પરી યાદવ (7), પ્રિયા વર્મા (8), રુદ્ર શાહ (13) અને પ્રાચી યાદવ (8)નો સમાવેશ થાય છે.
આ મુદ્દે હોસ્પિટલના પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. જોકે, કેકમાં મળેલી ગરોળી અને દર્દીઓની તબિયત બગડવા વચ્ચે સીધો સંબંધ છે કે નહીં તે સત્તાવાર તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
નાલાસોપારાની આ ઘટનામાં હવે મુખ્ય સવાલ એ છે કે કેકમાં મૃત ગરોળી રીતે કેવી રીતે પહોંચી. કેક બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, પેકિંગ પહેલાં તૈયાર કેકની તપાસ કરવામાં આવી હતી કે નહીં અને બેકરીમાં અન્ય ખાદ્ય ઉત્પાદનોની સલામતીની વ્યવસ્થા કેવી છે, તે અંગે તપાસ હવે આવશ્યક બની છે.
પરિવાર દ્વારા કેકમાંથી ગરોળી મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ અને કેકના નમૂનાના પરીક્ષણ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. દર્દીઓની તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણવા માટે મેડિકલ રિપોર્ટ પણ મહત્વની ભૂમિકા ભજવશે.
એક તરફ એફડીએ ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવા માટે મુંબઈમાં કડક કાર્યવાહી કરી રહ્યું છે અને બીજી તરફ નાલાસોપારામાં બર્થ-ડે કેકમાંથી મૃત ગરોળી મળ્યાની ઘટનાએ ગ્રાહકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થોની સલામતી સામે સવાલ ઊભા કર્યા છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના કેવી રીતે બની અને તેમાં કોઈની બેદરકારી હતી કે નહીં.