ઉછીના લીધેલાં નાણાં પાછાં ન આપનારા મિત્રની ભાતસા નદીને કિનારે પથ્થરથી માથું છૂંદી હત્યા કરી
થાણે: કલ્યાણ નજીક ભાતસા નદીને કિનારેથી મળેલા મૃતદેહનો કેસ ઉકેલવામાં શ્ર્વાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉછીના લીધેલાં નાણાં પાછાં ન આપનારા મિત્રની પથ્થર વડે માથું છૂંદી કરપીણ હત્યા કરનારો રેકોર્ડ પરનો આરોપી મુંબઈમાંથી પકડાયો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ યોગેશ એકનાથ રાણે (40) તરીકે થઈ હતી. આર્થિક વિવાદમાં રાણેએ તેના મિત્ર રાજેશ યોગીરાજ પ્રભુલકર (49)ની કથિત હત્યા કરી હોવાનું તપાસમાં જણાયું હતું. અધિકારીના જણાવ્યા મુજબ પ્રભુલકરનો મૃતદેહ 21 એપ્રિલે ખડવલી વિસ્તારમાં ભાતસા નદીને કિનારેથી મળી આવ્યો હતો. પથ્થરથી માથું છૂંદીને હત્યા કર્યા બાદ મૃતકની ઓળખ ન થાય તે માટે ચહેરો પણ વિદ્રુપ કરી નાખવામાં આવ્યો હતો. આ પ્રકરણે કલ્યાણ તાલુકા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમ ડૉગ સ્ક્વોડના શ્ર્વાન બેઈલી સાથે તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહ નજીકથી મળી આવેલી વસ્તુઓને આધારે પોલીસની ટીમ શ્ર્વાનની મદદથી ખડવલી રેલવે સ્ટેશન પહોંચી હતી. પોલીસે ખડવલી સ્ટેશનથી મુંબઈ વચ્ચેના સોથી દોઢસો સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં.
પોલીસની બીજી ટીમે મુંબઈ અને કલ્યાણમાં નોંધાયેલી 80થી વધુ મિસિંગની ફરિયાદ તપાસી હતી, જેથી મૃતકની સાથે મેળ ખાતું કોઈનું વર્ણન મળી આવે. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે શકમંદને રાણે તરીકે ઓળખી કાઢ્યો હતો. મુંબઈમાં રખડપટ્ટી કરતો રાણે પોતાની ઓળખ છુપાવવા સતત ટોપી પહેરી રાખતો. તે મોટા ભાગે દાદર, ભાયખલા અને લોઅર પરેલના ભીડવાળા વિસ્તારોમાં જ ફરતો, જેથી સહેલાઈથી પોલીસની નજર તેના પર ન પડે.
આખરે મંગળવારની સાંજે લોઅર પરેલથી રાણેને તાબામાં લેવાયો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રાણે અને પ્રભુલકર મિત્ર હતા અને બન્ને કૅટરિંગ એજન્સીમાં કામ કરતા હતા. રાણેએ આપેલાં ઉછીનાં નાણાં પ્રભુલકર પાછાં ચૂકવતો નહોતો. 20 એપ્રિલે બન્ને ફરવા માટે ભાતસા નદીને કિનારે ગયા હતા, જ્યાં રૂપિયાને મામલે વિવાદ થતાં આરોપીએ હત્યા કરી હતી. રાણે વિરુદ્ધ અગાઉ પણ હત્યા, હત્યાના પ્રયાસ અને ચોરીના ગુના નોંધાયેલા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.