Thu Apr 30 2026

Logo

મુંબઈના નદી-નાળાના કિનારે એન્જિનિયરોને હાજર રહેવું પડશે: કમિશનર

2026-04-30 08:07:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાને ધ્યાનમાં રાખીને મુંબઈના નદી-નાળાઓની સફાઈનું કામ ૩૧મે, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું છે અને આ કામ વધુ અસરકારક રીતે તેમ જ પારદર્શક રીતે પાર પડે તે માટે સબ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોેને પૂર્ણ સમય પ્રત્યક્ષ રીતે સાઈટ પર હાજર રહેવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે.

પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે બુધવારે પશ્ર્ચિમ ઉપનગરના જુદા જુદા વિસ્તારમાં નદી અને નાળાની સફાઈનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે નાળાઓમાંથી ગાળ કાઢવાના કામનું યોગ્ય રીતે આયોજન કરવાનો અને કમ્પ્યુટર સિસ્ટમમાં દરરોજની માહિતી અપડેટ કરવાની તેમ જ નાળામાં ઉપરના સ્તરે તરતા ઘનકચરા ખાસ કરીને પ્લાસ્ટિક કચરો રોકવા માટે આવશ્યક સ્થળે જાળીઓ બેસાડવાનો નિર્દેશ આપ્યો હતો.

ચોમાસા પહેલાનાં કામના ભાગરૂપે મુંબઈની નદી, મોટાં અને નાનાં નાળાઓમાંથી ગાળ કાઢવાનું કામ ચાલી રહ્યુ છે. એડિશનલ કમિશનરે બુધવારે પશ્ર્ચિમ ઉપનગરમાં અનેક જગ્યાએ ઈન્સ્પેકશન કર્યું હતું કે જેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગામ પૂર્વમાં વાલભટ નદી, ગોરેગામ પશ્ર્ચિમમાં મેટ્રો સ્ટેશન, ઓશિવરા નદી, ગઝદરબંધ પમ્પિંગ સ્ટેશન પાસે એસએનડીટી નાળું, સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં નોર્થ એવેન્યુ નાળાનું પણ તેમણે ઈન્સ્પેકશન કર્યું હતું.


ગોરેગામ પૂર્વમાં વાલભટ નદીનું તેમણે ઈન્સ્પેકશન કર્યું હતું. આ નદી સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી નીકળીને આગળ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી, ગોકુળધામ કોલોનીમાંથી પી-દક્ષિણ વિભાગની હદમાંથી આગળ જાય છે. બિંબીસાર નાળામાં આ નદીં આગળ જઈને મળે છે. ચોમાસામાં સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી પથ્થર મિશ્રિત માટી મોટા પ્રમાણમાં વાલભટ નદીમાં વહીને આવે છે, તેને કારણે નદીના પટમાંથી મોટા પ્રમાણમાં સફાઈ કરીને ગાળ કાઢવામાં આવે છે. તેથી અહીંથી કાઢેલો ગાળ ફરી નદીમાં જાય નહીં તેનું ખાસ ધ્યાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે ગાળ કાઢવા માટે વાપરવામાં આવતી મશીનરી નદી -નાળામાં ઉતારવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર અને વોર્ડ સ્તરે એન્જિનિયરની દેખરેખ હેઠળ રેમ્પ તૈયાર કરવો અને એન્જિનિયરોએ પ્રત્યક્ષ રીતે સાઈટ પર હાજર રહેવું પડશે, જેથી કરીને કૉન્ટ્રેક્ટર તરફથી વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવે અને ગાળનું વજન વધારવા માટે માટી નાંખવામાં આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.