Wed Aug 19 2026

Logo

લાઈક્સ માટે જીવનું જોખમ! મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓએ કર્યો જીવલેણ સ્ટંટ, યુઝર્સે કરી એક્શન લેવાની માગણી...

2026-08-14 20:33:17
Author: Darshana Visaria
Article Image

આજકાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ ફેમસ થવા અને થોડીક લાઈક્સ-વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો અને ખતરનાક વિડિયો મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાંથી સામે આવ્યો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી અને દેશભક્તિના ગીત પર રીલ બનાવવા માટે કેટલીક મહિલાઓ દોડતી લોકલ ટ્રેનના દરવાજે લટકીને જીવલેણ સ્ટંટ કરતી જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રેલવે સુરક્ષા દળ (RPF) સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

વાઈરલ થયેલી રીલમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ-યુવતીઓ દેશભક્તિના રંગમાં રંગાઈને દોડતી લોકલ ટ્રેનના ખુલ્લા દરવાજે બહાર લટકી રહી છે. ટ્રેન જ્યારે પૂરપાટ ઝડપે દોડી રહી હોય છે ત્યારે એક હાથથી પોલ પકડીને શરીરને બહાર ઝૂલાવીને વિડિયો શૂટ કરી રહી છે. પાછળથી પસાર થતા રેલવેના થાંભલા કે સિગ્નલ પોસ્ટ સાથે ટકરાવાનો સહેજ પણ ડર રાખ્યા વિના આ જોખમી કરતબ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાઓની આ બેજવાબદાર હરકતની આકરી ટીકા કરી છે. અનેક યુઝર્સે લખ્યું હતું કે દેશભક્તિ વ્યક્ત કરવા માટે નિયમો તોડવા અને જીવ જોખમમાં મૂકવો એ બિલકુલ યોગ્ય નથી. યુઝર્સે રેલવે મંત્રાલય, મુંબઈ રેલવે પોલીસ અને પશ્ચિમ અને મધ્ય રેલવેને ટેગ કરીને આવી જોખમી રીલ બનાવનારાઓ સામે કડક કાનૂની પગલાં ભરવાની અને દંડ ફટકારવાની માંગણી કરી છે.

તમારી જાણકારી માટે રેલવે પ્રશાસને વારંવાર ચેતવણી આપી છે કે ચાલુ ટ્રેને દરવાજે લટકવું, ફૂટબોર્ડ પર મુસાફરી કરવી કે સ્ટંટ કરવા એ રેલવે એક્ટની કલમ 156 હેઠળ દંડનીય ગુનો છે. આ પ્રકારના જોખમી સ્ટંટના કારણે મુંબઈમાં દર વર્ષે અનેક યુવાનો જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.