Sun May 03 2026

Logo
bombay-high-court-powai-government-housing-ownership-dismissed

મુંબઈ હાઈ કોર્ટનો મોટો નિર્ણય: નિવૃત્ત સરકારી કર્મચારીઓએ ફ્લેટ ખાલી કરવા પડશે

2026-05-03 17:49:28
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાજ્યના અમુક વર્ગના સરકારી કર્મચારીઓને તેમની નોકરી દરમિયાન શહેરના શ્રેષ્ઠ વિસ્તારોમાં આવાસ આપવામાં આવે છે. પણ નિવૃત્તિ બાદ નેતાઓની જેમ સરકારી કર્મચારીઓ પણ આવાસ ખાલી કરવા ઠાગાઠૈયા કરતા હોય છે.

હાઈ કોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓની પવઈના ઉચ્ચ કક્ષાના "હીરાનંદાની ટાઉનશીપ" વિસ્તારમાં "બ્લુ બેલ" બિલ્ડિંગમાં સરકારી રહેઠાણોની માલિકી આપવાની માંગને ફગાવી દીધી હતી. 

કોર્ટે સરકારી કર્મચારીઓની માંગણીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે તેઓ આવા ફ્લેટમાં ફક્ત ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તેઓ સેવામાં હોય. ત્યારબાદ તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી અને બિલ્ડિંગમાં રહેતા 72 નિવૃત્ત કર્મચારીઓને ફ્લેટ ખાલી કરવા માટે 12 અઠવાડિયાનો સમય આપ્યો હતો.

કોર્ટે ઇમારતમાં રહેતા વિવિધ સરકારી વિભાગોના સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી ત્રણ અલગ-અલગ અરજીઓ ફગાવી દીધી હતી. તેમણે શહેરી વિકાસ વિભાગ અને જિલ્લા કલેક્ટર પાસેથી ઇમારતમાં રહેલા ફ્લેટની માલિકી તેમને ટ્રાન્સફર કરવાનો આદેશ માંગ્યો હતો. જોકે, ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે અરજદારોની અરજીને ફગાવી દીધી, અને કહ્યું કે તે યોગ્યતાની કસોટી પર ખરી ઉતરતી નથી. 

2012માં એક જાહેર હિતની અરજીનો નિર્ણય લેતી વખતે હાઇ કોર્ટે રાજ્ય સરકારને આ ફ્લેટ ચોક્કસ કિંમતે ખરીદવા અને પછી તેને સરકારી કર્મચારીઓને વેચવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાના આધારે અરજદારોએ ફ્લેટની માલિકીની માંગણી કરી હતી.

જોકે, સરકારે "બ્લુ બેલ" બિલ્ડિંગમાં આ 72 ફ્લેટને "સરકારી રહેઠાણો" તરીકે ફાળવવાનો નિર્ણય લીધો હોવાથી, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જે અરજદારો હાલમાં સેવામાં છે તેઓ આ ફ્લેટમાં ફક્ત ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તેઓ સરકારી સેવામાં હોય. 

કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ નિવૃત્ત કર્મચારી 12 અઠવાડિયાના સમયગાળામાં ફ્લેટ ખાલી નહીં કરે, તો સરકાર તેને ત્યાંથી કાઢી મૂકી શકે છે.