Sun Jun 14 2026

Logo

મલાડ-નવી મુંબઇથી કૉડીન ફોસ્ફેટ મિશ્રિત કફ સીરપની 52.07 લાખની બોટલો જપ્ત ત્રણ આરોપીની ધરપકડ: 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો

2026-06-14 18:23:19
Author: Yogesh D Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે મલાડ અને નવી મુંબઈના ખારઘર વિસ્તારથી નશા માટે વપરાતા કૉડીન ફોસ્ફેટ મિશ્રિત કફ સીરપની 52.07 લાખ રૂપિયાની બોટલો જપ્ત કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો હતો. આરોપીઓ પાસેથી મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અર્સલાન ખાન (26), વિશ્ર્વકર્મા લલ્લન માલી (23) અને મોહંમદ સોહેલ સાગીર ખાન (26) તરીકે થઇ હતી. આરોપીઓને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવતાં પોલીસે વધુ તપાસ આદરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ શનિવારે મલાડ પશ્ર્ચિમમાં એસ.વી. રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ નજીક ઊભેલા સગીર સહિત ચાર જણ પર તેમની નજર પડી હતી, જેમની પાસે નાયલોનની થેલી અને બોક્સ હતા. ચારેયની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવતાં પોલીસ ટીમે તેમને તાબામાં લીધા હતા. પોલીસે નાયલોનની થેલી અને બોક્સની તલાશી લેતાં તેમાંથી કૉડીન ફોસ્ફેટ મિશ્રિત કફ સીરપની 153 બોટલ મળી આવી હતી. 

ચારેય વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમની પૂછપરછ કરી હતી, જેમાં એક આરોપીના ખારઘરમાં આવેલા ગોદામમાં કફ સીરપની બોટલો મોટા પ્રમાણમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીને પગલે પોલીસ ટીમ ખારઘર પહોંચી હતી અને ગોદામમાંથી વધુ 4,581 બોટલો જપ્ત કરી હતી. આમ કુલ 52.07 લાખ રૂપિયાની બોટલો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.