Sat May 02 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકાનું ૮૦,૯૫૨ કરોડ રૂપિયાનું બજેટ ૯૪ કલાકની ચર્ચા બાદ મંજૂર

2026-05-02 10:07:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષે તેના ઐતિહાસિક કૉર્પોરેશન હોલમાં અભૂતપૂર્વ અને રાજકીય રીતે પ્રેરિત બજેટ સત્ર જોયું હતું. પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત પાલિકાની કાર્યવાહીનું ૧૨ દિવસ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ૮૦૦ કરોડ રૂપિયાના વિકાસ ભંડોળની અસમાન અને રાજકીય રીતે પ્રેરિત વિતરણનો આરોપ લગાવીને વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.
મુંબઈના ૨૩૭ નગરસેવકોમાંથી ૧૦ નોમિનેટેડ સહિત ૧૮૮ નગરસેવકોએ બજેટસત્રમાં સક્રિય રીતે ભાગ લીધો હતો, તેને કારણે ૯૪ કલાકની મેરેથોન  ચર્ચા સ્પર્ધાત્મક પ્રાથમિકતાઓની સ્પર્ધામાં પરિવર્તિત થઈ ગઈ હતી. વિપક્ષના નગરસેવકોએ નાણાકીય શિસ્ત અને સંસાધનોની સમાન ફાળવણી માટે દબાણ આણ્યું હતું, જ્યારે શાસક પક્ષે તેના વિકાસ અજેન્ડા અને ખર્ચને લઈને બચાવમાં આવી ગઈ હતી.

શુક્રવારે  મોડી રાતે ૧.૧૬ વાગ્યા સુધી પાલિકાના સભાગૃહમાં ભારે ચર્ચા-વિચારણા બાદ ૨૦૨૬-૨૭ માટે ૮૦,૯૫૨.૫૬ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિકાસ ભંડોળ માટે ૮૦૦ કરોડ રૂપિયાની પુન:ફાળવણી બજેટમાં મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો, જેમાં શિવસેના (ઉદ્ધવ)ના નેતૃત્વમાં વિપક્ષે વિકાસ ભંડોળના અસમાન અને રાજકીય રીતે પ્રેરિત વિતરણનો આરોપ લગાવીને વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.

આ દરમ્યાન  શુક્રવારે મોડી રાતે કમિશનર અશ્ર્વિની ભીડેએ બજેટ ભાષણમાં પ્રોપર્ટી ટેક્સને મુદ્દે જણાવ્યું હતું કે  પ્રોપર્ટી ટેક્સનું  લેટ પેમેન્ટ કરનારા પર લાગુ કરવામાં આવતા દંડને ઘટાડીને એક ટકા સુધી કરવાના પ્રસ્તાવ પર પ્રશાસન રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે. નોંધનીય છે કે પાલિકા હાલ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો અને મોડેથી પેમેન્ટ કરનારા પર માસિક બે ટકા દંડ વસૂલ કરે છે, જે અસરકારક રીતે વાર્ષિક ૨૪ ટકા થાય છે. તેથી કરદાતાઓ તરફથી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી રહી છે. 

આ દરમ્યાન  તેમણે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) પાસેથી કરોડો રૂપિયાના બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે સક્રિય પણે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ૩૧ જાન્યુઆરી સુધીમાં પાલિકાના રેકોર્ડ મુજબ એમએમઆરડીએ પાસે ૧૨૮ મિલકતના  ૧,૬૮૫.૬ કરોડ રૂપિયા ચૂકવવામાં ન આવેલા કર અને ૭૩૯.૪ કરોડનો દંડ તેમ જ મ્હાડા પાસેથી ૩,૬૩૬ પ્રોપર્ટી પર ૬૦૧.૬ કરોડ રૂપિયાનો ટેક્સ સહિત ૨૨૨.૫ કરોડના દંડની રકમનો સમાવેશ થાય છે.
દેશની ધનાઢય પાલિકા ગણાતી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પદે કાર્યભાર સંભાળીને શુક્રવારે અશ્ર્વિની ભીડેએ એક મહિનો પૂરો કર્યો હતો. પાલિકામાં બજેટ ચર્ચા દરમ્યાન ઘણા નગરસેવકોએ કમિશનરને વિવિધ એજન્સીઓ પાસેથી લાંબા સમયથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સની રકમની વસૂલાત ઝડપી કરવા વિનંતી કરી હતી, જે વર્ષોથી ચૂકવવામાં આવ્યો નથી. તેની સામે કમિશનરે આશ્ર્વાસન આપ્યું હતું કે બાકી રહેલી રકમની વસૂલાત માટે ઝડપી બનાવવાના પ્રયાસ જરૂર કરવામાં આવશે.