(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ભાજપના તમામ ૮૯ નગરસેવકોને ગયા અઠવાડિયામાં સભાગૃહમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. સત્તાધારી પક્ષ પાસે સભાગૃહમાં પૂરતા નગરસેવકનું સંખ્યાબળ નહીં હોવાથી ગયા અઠવાડિયે તાકીદના કામ તરીકે લાવવામાં આવેલા પ્રસ્તાવને સંખ્યાબળને અભાવે મંજૂર કરવામાં નિષ્ફળતા મળી હતી. તેની ભાજપના પક્ષઅગ્રણી ગીન્નાયા છે અને તમામ નગરસેવકોને નોટિસ ફટકારીને બે દિવસની અંદર જવાબ માગવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ અને શિંદે સેના પાસે બહુમતી હોવા છતાં ગયા અઠવાડિયામાં ગુરુવારે વિરોધપક્ષે બાજી પલટી દીધી હતી. તાકીદના કામ તરીકે લાવવામાં આવેલા પ્રસ્તાવને વિરોધપક્ષે બહુમતીએ ફગાવી દીધો હતો. ભાજપે પક્ષઆદેશ કાઢ્યો હોવા છતાં નગરસેવક સમયસર પહોંચ્યા નહોતા અને તેને કારણે સત્તાધારીઓને નીચાજોણું થયું હતું. વિરોધપક્ષે એકજુટ થઈને તાકીદના કામકાજનો સંખ્યાબળથી વિરોધ કર્યો હતો. વડાલાના એક જમીનનો પ્લોટ ડેવલપરને આપવા બાબતનો પ્રસ્તાવ તાકીદના કામકાજ તરીકે લાવવામાં આવ્યો હતો અને સત્તાધારીઓને તેને બાજુએ રાખવો પડયો હતો.
પાલિકાની મહાસભામાં મળેલી કારમી હાર ભાજપના વરિષ્ઠ નેતાઓ પચાવી શક્યા નથી. એટલે જ તેમના આદેશ મુજબ પાલિકામાં સભાગૃહ નેતા ગણેશ ખણકરે તમામ ૮૯ નગરસેવકોને નોટિસ ફટકારીને તેમની પાસેથી ખુલાસો માગ્યો છે. આ પ્રકરણમાં તમામ નગરસેવકોને નોટિસ મોકલવામાં આવી હોઈ બે દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા તમામ નગરસેવકોને સમયસર હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. તેથી દરેક નગરસેવક સભાગૃહમાં કેટલા વાગે આવ્યો હતો અને મોડું કેમ થયું તે બાબતે સ્પષ્ટકીરણ તેમની પાસેથી માગવામાં આવ્યું હોવાનું ગણેશ ખણકરે કહ્યું હતું.
ગયા અઠવાડિયામાં સામાન્ય સભામાં બજેટ પર સતત ચર્ચા ચાલી રહી હતી, જેમાં સવારના ૧૧ વાગ્યાથી મોડી રાત સુધી સભા ચાલતી હતી. તેથી ઉપનગરમાં લાંબે રહેતા નગરસેવકોને ઘરે મોડા પહોંચીને સવારના જલદી આવવું શક્ય ન હોવાનું અમુક નગરસેવકોએ કહ્યું હતું. જોકે સભાગૃહ નેતાએ દરેક નગરસેવકે પક્ષનો આદેશ પાળવો આવશ્યક હોવાનું કહ્યું હતું.
તાકીદના કામ તરીકે લાવવામાં આવેલા પ્રસ્તાવ મંજૂરી માટે સત્તાધારી પક્ષે વ્હીપ કાઢયો હતો. છતાં ભાજપના અનેક નગરસેવકો સભાગૃહમાં પહોંચી શકયા નહોતા. વિરોધીપક્ષ કૉંગ્રેસ અને શિવસેના (ઠાકરે)પક્ષના નગરસેવક સભાગૃહમાં હાજર હતા. વિરોધપક્ષે આ સમયે પાલિકાના અધિનિયમના આધાર લઈને મતદાનની માગણી કરી હતી. તેમ જ હસ્તાક્ષના આધારે મતગણતરીની માગણી કરી હતી, ત્યારે સત્તાધારીઓના ૬૧ નગરસેવક હતા. તો વિરોધપક્ષના ૫૮ હતા. એક તૃતીયાંક્ષ સંખ્યાબળ ન હોવાથી સત્તાધારીઓ તાકીદે લાવેલા પ્રસ્તાવને મંજૂર કરાવી શક્યા નહોતા.
મુંબઈ મહાનગરપાલિમાં સત્તાધારી મહાયુતીમાં ભાજપના ૮૯ અને શિવસેના (શિંદે)ના ૨૯ તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત)ના ચાર એમ કુલ સંખ્યાબળ ૧૨૨નું હોવા છતાં તેમને હારનો સામનો કરવો પડયો હતો.