પાણીકાપને કારણે પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કરથી પાણીપુરવઠો પાલિકા કરશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું લંબાઈ જવાને પગલે અને જળાશયોની ચિંતાજનક રીતે ઘટતી સપાટીને પગલે મુંબઈગરાને પાણી માટે વલખા મારવા ના પડે તે માટે સર્તક થઈ ગયેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે પાણીની ચોરી અને પાણીના ગળતરને રોકવા માટે અસરકારક રીતે ઉપાયયોજના અમલમાં મૂકવા પર વોર્ડ સ્તરે અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં નિર્દેશ આપ્યો છે. આ દરમ્યાન ૧૫ મેથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યો હોઈ અનેક વિસ્તારોમાં અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદ બાદ પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીપુરવઠો કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવ્યો છે. એ સાથે જ નાગરિકોને પણ પાણીનો સંભાળીને અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પ્રશાસને કરી છે.
મુંબઈમાં આગામી સમયમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શકયતાને પગલે પાલિકા પ્રશાસન દ્વારા ઉપાયયોજનાઓ યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યા બાદ હવે પાણીનો વેડફાટ રોકવા માટે તાત્કાલિક ધોરણે વોર્ડ સ્તરે અધિકારીઓને પાણીનું ગળતર અને પાણીની ચોરી પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. ૨૦ જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે પણ જળાશયોના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડે તો પાણીનું સંકટ દૂર થઈ શકે છે. છતાં પાલિકા પ્રશાસન વરસાદની રાહ જોવાની સાથે જ વધુ સર્તક થઈને પાણીના મેનેજમેન્ટ પણ ખાસ ધ્યાન આપવાની છે. એક તરફ પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ પાણીની ચોરી અને પાણીનું ગળતર રોકવા પર ધ્યાન આપવાનો વોર્ડ સ્તરે એન્જિનિયરોને આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ નાગરિકોને પણ કાયદેસર રીતે પાણીનું જોડાણ લેવાની અપીલ કરવામાં આવી છે.
નાગરિકોને અપૂરતું પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ બાબદે બાંગરે જણાવ્યું હતું કે પાણીકાપ મૂક્યા બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ઓછું પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ આવી છે. તેથી આ વિસ્તારના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે પાલિકા તેમને ટેન્કર દ્વારા પાણીપુરવઠો કરશે. એ સાથે જ જે વિસ્તારમાં વોટર ટેન્કર દ્વારા પાણીપુરવઠો કરવામાં આવે છે ત્યાં કાયમી સ્વરૂપે પાણીપુરવઠા માટે નિયોજન કરવાનો અને ટેન્કર પર અવલંબન ઓછું કરવાની સૂચના વોર્ડ સ્તરે અધિકારીઓને આપવામાં આવી છે.
જૂની પાણીની પાઈપલાઈન ચોમાસા બાદ બદલાશે
જૂની અને જર્જરીત થઈ ગયેલી પાઈપલાઈન બદલવાનું તેમ જ પાણીની પાઈપલાઈનને મજબૂત કરવાનું કામ ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે. તે માટે આવશ્યક આયોજન, ટેક્નિકલ મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા આગામી બે મહિનામાં પૂરી કરવામાં આવશે. સંબંધિત કામના વર્ક ઓર્ડર ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી બહાર પાડી પહેલી ઑક્ટોબર, ૨૦૨૬થી પ્રત્યક્ષ કામની શરૂઆત કરવામાં આવશે. તેમ જ કામ પણ નિશ્ર્ચત સમયગાળામાં અને ઉચ્ચ ગુણવત્તાનું હોય તેનું ધ્યાન રાખવાનો સંબંધિત અધિકારીઓને કહેવામાં આવ્યું છે.
પાણીની ફરિયાદનો જલદી નિકાલ આવશે
લોકપ્રતિનિધિ, નગરસેવક અને સ્થાનિક રહેવાસીઓ સાથે સતત સંવાદ અને સમન્વય સાધીને પાણીના વિતરણ વ્યવસ્થા બાબતે સમયસર એકબીજાને માહિતી આપવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. એ સાથે જ પાણીપુરવઠા બાબતે આવનારી ફરિયાદ પર તાત્કાલિક પગલા લઈને તેનો નિકાલ જલદી લાવવાનો રહેશે.
મુંબઈગરા પાણી સંભાળીને વાપરો
મુંબઈમાં જો ચોમાસાનું આગમન જલદી થયું નહીં તો આગામી સમયમાં મુંબઈમાં પાણીનું ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. હાલ પ્રશાસન દ્વારા ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે. એ સાથે જ મુંબઈના નાગરિકોને પણ પાણીનો સંભાળીને કાટકસર કરીને ઉપયોગ કરવાની સલાહ પાલિકા પ્રશાસને આપી છે. ખાસ કરીને મોટી હાઉસિંગ સોસાયટીઓએ તેમની સોસાયટીમાં પાણીનો સંભાળીને ઉપયોગ થાય તેના પર ધ્યાન આપવાની સૂચના પણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.