બીકેસીમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા MMRDAની પહેલઃ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અપીલ પણ 'લાસ્ટ માઈલ' કનેક્ટિવિટી મોટો પડકાર
મુંબઈ: મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) જે દુનિયાનું સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી જામ રહેતા બિઝનેસ હબ પૈકીનું એક છે, જ્યાં શુક્રવાર એટલે આજથી 'કાર ફ્રી ફાઈડે' પહેલની શરૂઆત કરવામાં આવી હતી. ઓથોરિટીઝે દેશને કોઈ પણ કોર્પોરેટ ડિસ્ટ્રિક્ટ માટે પોતાની રીતે પ્રથમ પહેલ કરતા 'કાર-ફ્રી ફ્રાઈડે' એટલે કે કારમુક્ત રહેવાનો અનુરોધ કર્યો છે. આ પહેલ અંતર્ગત કાર ચલાવવા માટે અથવા કેબ બુક કરવાની જગ્યાએ ટ્રેન, મેટ્રો કે બસનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ(MMRDA) આ પહેલને આગળ વધારી રહી છે. જેમાં બેસ્ટ(BEST), મુંબઈ મેટ્રો, ટ્રાફિક પોલીસ અને ઓટો યુનિયન્સ મળીને કામ કરી રહ્યા છે, જેના અંગે લોકોએ યોજનાને આવકારી હતી, જ્યારે અમુક લોકોએ યોજનાને વખોડી નાખી હતી.
'કાર ફ્રી ફ્રાઈડે' પાછળનું કારણ શું?
આ ખાસ પહેલ માટે શુક્રવારનો દિવસ પસંદ કરવા પાછળનું કારણ કંઈક વિશેષ છે. એમએમઆરડીએના અધિકારીઓના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતિમ દિવસે કોર્પોરેટ શિડ્યુલ થોડું લચીલુ હોય છે. આ દિવસે કર્મચારીઓ પર સમયસર ઓફિસ પહોંચવાનું દબાણ ઓછું હોય છે, મિટિંગ ઓછી હોય છે, અને સવારે 9 વાગ્યે ડેસ્ક પર રહેવાનું ટેંશન હોતું નથી. તેથી વિપરીત સોમવારે આ લિસ્ટને પૂર્ણતઃ બહાર રાખવામાં આવ્યું હતું. કારણકે નવા સપ્તાહની શરૂઆતમાં કડક ડેડલાઈન્સ, બેક-ટૂ-બેક મિટિંગો અને કામના બોજના કારણે કોઈ પણ કર્મચારી પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર રહેવાનું જોખમ ઉપાડવા માંગતા હોતા નથી.
બેસ્ટ પ્રશાસન રોજના 100થી વધુ બસ દોડાવે છે
બીકેસી અને તેના આસપાસ પબ્લિક ટ્રાન્સપોર્ટનું એક મજબૂત નેટવર્ક પહેલેથી જ હાજર છે, જેના વિશેની જાણકારી કોઈ પ્રવાસીઓ પાસે નથી. મેટ્રો લાઈન 3ની એક્વા લાઈન ડાયરેક્ટ બીકેસીને જોડે છે, જયારે બીજી બાજુ બાંદ્રા અને કુર્લા રેલવે સ્ટેશન પણ ફીડર સેવાઓથી જોડાયેલા છે. બેસ્ટ (BEST) દરરોજ આ રૂટ પર 100થી વધુ બસ ચલાવે છે, જેનાથી દૈનિક 25,000થી 30,000 લોકો મુસાફરી કરે છે. છતાં સૌથી મોટી મુશ્કેલી 'લાસ્ટ માઈલ' એટલે કે સ્ટેશનથી ઓફિસ સુધીના એક-બે કિલોમીટર જેટલી મુસાફરીની છે. ટોચની ફાઇનાન્શિયલ ફર્મના ઉચ્ચ અધિકારી અનુસાર મેટ્રોની મુસાફરી ઘણી સરળ છે, પણ સ્ટેશનથી બહાર નીકળીને ઓફિસ બ્લોક સુધી શેરિંગ ઓટો કે ફીડર બસ શોધવું ખૂબ મુશ્કેલ બને છે, જે નિર્ણય લોકહિતમાં જણાતો નથી.
સુધારા માટે છે માસ્ટર પ્લાન
આંકડાઓ જોતા મેટ્રો લાઈન ત્રણ ચાલુ થયા પછી પણ બીકેસીના 52 ટકા જેટલા કર્મચારી રોજની મુસાફરી માટે પોતાની કાર, ટેક્સીઓ કે ઓટોરિક્ષા પર આધાર રાખે છે. ફક્ત 25 ટકા લોકો જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જેના કારણે અડધાથી વધારે વર્કફોર્સનો દૈનિક મુસાફરીમાં બે કલાકથી વધારે સમય વેડફાઈ જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે ઓથોરિટીઝ હવે બસની ફેરી વધારવા, જંકશન પર સમર્પિત યુ-ટર્ન બનાવવા અને ફુટપાથને વધુ સારી બનાવવા માટે ત્યાં ગ્રીન કેનોપી અને મિસ્ટ બ્લોઅર લગાવવા માટેની યોજના પર કામ કરી રહ્યા છે. કંપનીઓ પાસે અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા કર્મચારીઓને રિવોર્ડ્સ અને ઈન્સેન્ટિવ આપે.
બીકેસીમાં કામ કરનારા લોકોએ શું કહ્યું
આ યોજના અંગે બીકેસીમાં મુંબઈ સમાચાર દ્વારા લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રશાસનના આ નિર્ણય અંગે નિષ્ણાતે કહ્યું હતું કે બીકેસી એવી જગ્યા છે, જ્યાં લોકો પોતાના વ્હિકલ વિના અવરજવર કરી શકે નહીં. ડાયરેક્ટ કનેક્ટિવિટી પણ નથી, જેમાં અમુક વિસ્તારો તો અંતરિયાળ છે, જ્યાંથી એક લોકેશનથી બીજા લોકેશન પગપાળામાં પહોંચવામાં અડધો કલાકથી વધુ સમય લાગે છે, જ્યાં રિક્ષા ન મળે તો સિનિયર સિટિઝન યા વિકલાંગ તો ભારે હાલાકી પડી શકે છે.
આ સંજોગ શુક્રવારે નો-કાર યોજનાનો અમલ કરે તો શું થાય. રિક્ષાવાળા પણ નજીકના લોકેશને આવવા તૈયાર ન હોય તો શું કરવું આ મુશ્કેલી અંગે કદાચ પ્રશાસને વિચાર કર્યો હશે નહીં. પહેલા દિવસે અમુક લોકોએ કહ્યું હતું કે આ પ્રકારની યોજના પ્રદૂષણને દૂર કરવા માટે જરુરી છે. વહીવટી પ્રશાસન આ પ્રકારની ઝુંબેશ હાથ ધરશે તો તેનો ફાયદો પણ જનતાને થશે, જ્યારે અન્ય એક રિક્ષાચાલકે કહ્યું હતું કે આ પ્રકારની યોજનાનો કોઈ અર્થ થતો નથી. વાસ્તવમાં આ યોજના અંગે લોકો શું માને છે અને લોકોની સમસ્યાના નિકાલ માટે શું યોગ્ય બાબત છે એના અંગે તમે અમને જણાવી શકો છો.