મોરારિબાપુ
આશ્રય કોનો કરવો બાપ? હું વારંવાર આશ્રય ઉપર બોલી રહ્યો છું અને અતિ નિતાંત આવશ્યક છે. સાધક ભૂલ ન કરી બેસે. અથવા તો, કાંટાકાંકરામાં જેની રુચિ છે,જેની ઈચ્છાઓ કાંકરાઓ ભેગા કરવાની છે, આખરે સંપત્તિ એકઠી કરવી ધર્મને નામે, એ કાંકરાઓ જે ભેગાં નહિ કરવા તો બીજું શું છે? એવાનો આશ્રય નહિ કરશો.એક સાચો સાધુ ગૃહસ્થાશ્રમમાં રહી જાય ને, તો ગૃહસ્થાશ્રમને મંદિર બનાવી દેશે અને એક સંસારી માણસ મંદિરમાં રહી જાય તો મંદિરને દુકાન બનાવી દે છે.
આ વિશ્વની હકીકત છે. એક સાચો સાધુ પોતાનાં પત્ની અને બાળકો સાથે ઘરમાં રહેશે તો ઘરને તીર્થ બનાવશે. એનાં આંગણની ધૂળને લોકો તીર્થની રજ સમજશે. એક સાચો સાધુ, ભલે પેન્ટ પહેરતો હોય, કોઈ ફર્ક નહીં પડે. કોઈપણ વેશમાં હોય, કોઈપણ દેશમાં હશે, સાધુતાને કોઈ સીમા લાગુ નથી પડતી. એ અસીમ છે અને સંસારમાં નરસિંહ મહેતાએ, પોતાના ઘરને નહિ, પૂરા ગુજરાતને, ગુજરાતને જ નહીં પૂરા હિન્દુસ્તાનને, અરે હિન્દુસ્તાન જ નહી, અમેરિકા સુધી આ કાવ્ય પંક્તિ ફેલાવી દીધી...
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...
પંક્તિને મંદિર બનાવી દીધી. એક ગૃહસ્થ કદાચ સાધુચરિત હશે તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઘરને તપોવન બનાવી દેશે. એક સંસારી કોઈપણ વેશમાં હશે, સંસારિક ભાવમાં રહેશે તો મંદિરને પણ દુકાન બનાવી દેશે,વ્યાપાર બનાવી દેશે,એનો કોઈ ભરોસો નહીં. સંસારીનું કઈ ઠેકાણું નહીં,ખોટું નહિ લગાડતા, વેપારીને ગમે ત્યાં બેસાડો, વ્યાપાર કરી નાખે.
એક વાર્તા મેં તમને કદાચ સંભળાવી હશે કે નહિ,ખ્યાલ નથી. એક સ્ટીમરમાં અમુક માણસો યાત્રા કરતા હતા. જે સમુદ્રમાંથી આ સ્ટીમર જઈ રહી છે, એ સમુદ્રમાં એક બહુ મોટી માછલી, બહુ મોટી, માનો બહુ મોટી, સ્ટીમરને ગળી જાય, એટલી મોટી માછલી રહેતી હતી. વહાણને ગળી જાય. પેલી સ્ટીમર જઈ રહી હતી, ત્યાં એ માછલીએ એકદમ સ્ટીમર ઉપર હુમલો કર્યો. બધાં જાણતા હતા કે આ માછલી ખતરનાક છે, એને ખાવાનું આપી દો, તો એ કૂદવાનું બંધ કરી દેશે. એટલે સ્ટીમરમાં જેટલું ખાવાનું, સ્ટીમરમાં જેટલી ખાવાની ચીજ હતી, એ બધી માછલીના પેટમાં નાખવા લાગ્યા. તો પણ તે તો કૂદતી જ રહી. એમ થયું કે જહાજને તોડી નાખશે, ડૂબાડી દેશે.
પછી બધા વિચારવા લાગ્યા કે હવે શું કરવું? લોકો ફર્નિચર એના પેટમાં નાખવા માંડ્યા. ટેબલ, ખુરશી, સોફા બધું એના મોઢામાં નાખવા માંડ્યા, કારણ એ હતી એટલી મોટી. તો પણ એ હુમલો કરવા લાગી. લોકોએ વિચાર્યું કે હવે તો નક્કી મરવાના. હવે શું કરવું? નક્કી કર્યું કે આપણામાંથી જેટલા મુસાફરો છે, તેમાંથી કોઈ એક ને એનાં મોઢામાં નાખી દો એટલે જો માનવભક્ષી હશે તો શાંત થઈ જશે.
મનુષ્યને ફેંકો, હવે જાય કોણ? એમાં એક વેપારી ઊભો થયો. કહે કે મને ફેંકી દો. મરદ કહેવાયને? પણ કાકા તમે? કાકા, કાકા નહિ કરો. અત્યારે બહુ ગંભીર પ્રશ્ન છે, ફેંકી દો તમતમારે મને, તમે જો બચતા હો, તો કુરબાન છે આ કાયા, એ તો આજે છે ને કાલે નથી. બધાં બહુ રાજી થયા કે આ તૈયાર થયો. બધાએ ઉઠાવીને એને માછલીના પેટમાં નાખી દીધો. બધાને થયું કે હવે તો શાંત થઈ ગઈ, એટલે કોઈ ચિંતા નથી. છતાંય માછલી ઉછળી. હવે એક જ રસ્તો છે, ભાલા, તલવાર, બરછી, જે જે હથિયાર છે એ લઈને માછલીને મારવા લાગ્યા.
માછલી મરી ગઈ પછી એને કાપી તો અંદર પેલો વેપારી બેઠેલો! આ લોકોએ જે ફર્નિચર નાખેલું, તેમાંથી આગળ ટેબલ મૂક્યું, ખુરશી મૂકી ને અંદર ખાવાનું જે નાખેલું, તેના પડીકા કરી કરી માછલી પહેલા જેને ખાઈ ગયેલી તેને વેચતો હતો. લે, આ બ્રેડ આટલા રૂપિયાની, આ બ્રેડ આટલા રૂપિયાની! સંસારી જ્યાં જાય, ત્યાં દુકાન ઊભી કરી દે, મારા બાપ! આ માછલી તો પહેલેથી ગળતી હતી. ઘણાને ગળી ગયેલી. ટેબલ-ખુરશી બધું સરખું કરી દીધું, દુકાન કરી દીધી અને બ્રેડ, બટર જે બધું નાખ્યું હતું એ લઈ લઈને એક એક પાઉન્ડમાં ત્યાં વેચવા માંડ્યો!
અને કોઈ સાધુ ગૃહસ્થાશ્રમમાં રહે તો ગૃહસ્થાશ્રમને આશ્રમ બનાવી દે. તુકારામે ગૃહસ્થાશ્રમમાં આશ્રમ કરી દીધો, પત્ની કર્કશા હતી, પણ મંદિર બની ગયું. તુકારામના અભંગની સત્તાને આજે કોઈ વિશ્વની સત્તા ભંગ નથી કરી શકતી. ઈતને અદ્દ્ભુત અભંગ ગાયે તુકારામને. ગૃહસ્થાશ્રમ આશ્રમ બને, હરીશ્ર્ચન્દ્રનો ગૃહસ્થાશ્રમ આશ્રમ હતો. જેને કંટકોમાં રુચિ છે તેનો આશ્રય નહી કરતા.
યુવાન ભાઈ-બહેનો, બહુ સાવધાન રહેજો બાપ! તમારે તો ભારતવર્ષની ઋષિ સભ્યતાનું ગૌરવ કરવાનું છે. એટલે હું વારંવાર બોલતો રહું છું કે, કોની શરણાગતિ કરશો? હનુમાનચાલીસા કરો, રામાયણનો આશ્રય કરો. જ્યાં કાંટા નથી, કાંકરા નથી પરંતુ જ્યાં ‘માનસ’ના મોતી છે, પરમહંસોના આંસુ છે એનો આશ્રય કરો. જ્યાં પરમહંસોની આંખોમાંથી કૃષ્ણપ્રેમના આંસુ ટપકતા હોય અને ભરતજી માટેના પ્રેમથી જેનું અંત:કરણ ભીનું હોય એનો આશ્રય કરો.
જ્યાં જવાથી આપણે પોતે મૌન થઈ જઈએ,જેની પાસે જવાથી આપણું બધું ધીરે ધીરે બેસવા માંડે,જ્યાં શબ્દનો કોલાહલ નહિ હોય,જ્યાં શોરબકોર નહિ હોય,શબ્દ યદિ હશે તો શબ્દ નહિ,શબ્દ બ્રહ્મ હશે. શ્રુતિવાક્ય હશે, માનસમંત્ર હશે. આશ્રય એનો કરવો જે પવિત્ર હોય,બહાર શુદ્ધ અને ભીતરથી પવિત્ર હોય. જ્યાં કાંકરા અને કંટકો હોય ત્યાં ન જવું. એવા માણસ પાસે ન જવું જેનું જીવન આપણને ચૂભે. વિશ્વકલ્યાણ માટે જેનું ચિત્ત સદાય વ્યગ્ર રહે એનું નામ સંત છે અને એ તમને શાંતિ આપશે. (સંકલન : જયદેવ માંકડ)