Tue Apr 28 2026

Logo

આ તે મીરા રોડ કે પહલગામ?: ધર્મ પૂછીને હિન્દુ વૉચમેનને માર્યો

2026-04-28 08:24:00
Author: Yogesh C Patel
Article Image

આરોપી મોટા ષડ્યંત્રની તૈયારી કરતો હોવાની શંકા: ઘરેથી આઇએસઆઇએસને લગતું સાહિત્ય મળ્યું: કેસ એટીએસને સોંપાયો

યોગેશ સી પટેલ

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જેમ મીરા રોડમાં પણ ધર્મ પૂછીને નિર્માણાધીન ઈમારતના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હુમલામાં સંડોવાયેલા આરોપીને પોલીસે દોઢ કલાકમાં જ પકડી પાડ્યો હતો, પરંતુ તેના ઘરમાંથી મળેલા કથિત વાંધાજનક દસ્તાવેજોને કારણે આ પ્રકરણની તપાસ મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને સોંપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ઘટના સોમવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ મીરા રોડના નયાનગર વિસ્તારમાં બની હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સિક્યોરિટી ગાર્ડ રાજકુમાર મિશ્રાને નજીકની વૉકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મિશ્રા તેના સાથી સુબ્રતો રમેશ સેન સાથે વૉકહાર્ટ હૉસ્પિટલની પાછળ નિર્માણાધીન ઈમારતમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. મળસકે મિશ્રા પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મિશ્રા જમીન પર ફસડાઈ પડ્યો હતો અને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 
આ પ્રકરણે નયાનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે હુમલાખોરને ઓળખી કાઢ્યો હતો. પોલીસ ફરિયાદ થયાના દોઢેક કલાકમાં જ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ઝૈબ ઝુબેર અન્સારી (31) તરીકે થઈ હતી. પોલીસે અન્સારીના ઘરમાં સર્ચ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અને અન્સારીના ઘરમાંથી મળેલા દસ્તાવેજો જોઈ પોલીસ પણ ચોંકી હતી.

કહેવાય છે કે પહલગામમાં જે રીતે ધર્મ પૂછીને આતંકવાદીઓએ ખુનામરકી સર્જી હતી એ જ રીતે ધર્મ પૂછીને સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરાયો હતો. એ સિવાય તેને કલમા પઢતા આવડે છે કે નહીં, એવું પણ પૂછવામાં આવ્યું હતું. અન્સારીના ઘરમાંથી મળેલા કાગળિયા પર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સંબંધી લખાણ હોવાનું કહેવાય છે. પરિણામે ગુનાની ગંભીરતા અને વ્યાપ્તિને જોતાં સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) ડૉ. મનોજ કુમાર શર્માએ વધુ તપાસ એટીએસને સોંપવાનો આદેશ આપ્યો હતો.