Fri Jun 12 2026

Logo

પચીસથી વધુ મહિલા સાથે લગ્ન કરી કરોડો રૂપિયા પડાવનારો યુપીમાં પકડાયો

2026-06-12 17:12:35
Author: Yogesh C. Patel
Article Image

ChatGTP Ai Generated Image


થાણે: વિવિધ રાજ્યોની પચીસથી વધુ મહિલા સાથે લગ્ન કરીને તેમની પાસેથી કરોડો રૂપિયા કથિત રીતે પડાવનારા ઠગની મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) સંદીપ ડોઈફોડેએ જણાવ્યું હતું કે આરોપી અનુજકુમાર ચંદ્રપ્રકાશ ત્રિવેદી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સંતાયો હોવાની માહિતી મળી હતી. આરોપી ત્યાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. યુપી પહોંચેલી પોલીસની ટીમે તેને તાબામાં લીધો હતો.

આરોપી લગ્નસંબંધી જાહેરખબર જોઈને યુવતીઓ-મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. તે અજય અગ્રવાલ, અજય સંતોષ સિંહ અને જયપ્રકાશ રમેશચંદ ગુપ્તા જેવાં વિવિધ નામે મહિલાઓનો સંપર્ક સાધતો. મીરા રોડના નયા નગર પોલીસ સ્ટેશનમાં ચોથી માર્ચ, 2022ના રોજ 75 વર્ષની વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદને આધારે આરોપીની શોધ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર એક અખબારમાંની લગ્નસંબંધી જાહેરખબર વાંચીને આરોપીએ ફરિયાદીની 45 વર્ષની દીકરી સાથે લગ્ન કરવા સંપર્ક સાધ્યો હતો. આરોપીએ પોતાનું નામ અજય અગ્રવાલ જણાવ્યું હતું. મુલાકાત અને ચર્ચા બાદ પહેલી માર્ચ, 2019ના બન્નેનાં લગ્ન થયાં હતાં.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે નવો ફ્લૅટ ખરીદવાનું વચન આપીને આરોપીએ પત્નીને મીરા રોડનો ફ્લૅટ વેચવા દબાણ કર્યું હતું. પછી એ નાણાંમાંથી તેણે તકનાઉમાં બે માળનું ઘર બનાવ્યું હતું. એ સિવાય તબક્કાવાર તેણે ફરિયાદીની દીકરી પાસેથી 82 લાખ રૂપિયા લીધા હતા.

22 ફેબ્રુઆરી, 2022માં સગાના લગ્નમાં જવાને બહાને પત્નીને દિલ્હી લઈ ગયો હતો, જ્યાં રેલવે સ્ટેશન પર જ પત્ની પાસેથી તેણે 33 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. પછી મુંબઈ જતી ટ્રેનમાં પત્નીને બેસાડી મોબાઈલ સ્વિચ ઑફ્ફ કરી દીધો હતો. ફરિયાદ અનુસાર આરોપીએ 97 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ આ જ મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરી વિવિધ રાજ્યોમાં પચીસથી વધુ મહિલાને છેતરી હતી, જેમાં શારીરિક રીતે અક્ષમ અને વિધવાનો પણ સમાવેશ થાય છે. આમાંથી અમુક મહિલાનો મેટ્રિમોનિયલ વેબસાઈટ પરથી સંપર્ક મેળવ્યો હતો. 

છેતરપિંડીથી મેળવેલી રકમમાંથી આરોપીએ 20 લાખની કાર ખરીદી હતી, જે પોલીસે જપ્ત કરી હતી. અમરાવતીના પરિવાર પાસેથી તો આરોપીએ પચીસ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં આરોપીના પુત્રની પણ સંડોવણી હોવાનું જણાતાં તેને સહઆરોપી બનાવાયો હતો. (પીટીઆઈ)