Wed Aug 19 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં...

2026-08-04 09:39:00
Author: Mita Bawisi
Article Image

મિતા બાવીસી

દમ-શ્વાસ

દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.

ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
-હળદર, મરી અને અડદ એ ત્રણેને અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.

દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
બે-ત્રણ સૂકાં અંજીર સવારે ને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.

નાગરવેલનાં પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
પંદર-વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી દમ મટે છે.
ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી દમ મટે છે.
તુલસીનો રસ 3 ગ્રામ, આદુંનો રસ 3 ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી દમ મટે છે.

તુલસીનો રસ 10 ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી લેવાથી દમ મટે છે.
હળદર અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી દમ મટે છે.
ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધા તોલા જેટલી ફાકવાથી દમ મટે છે.
આમળાંની અઢી તોલા રસમાં એક તોલો મધ અને 01 તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી દમ મટે છે.

દાહ  બળતરા

મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.

ધાણા અને જીરું એક-એક ચમચી લઈ, અધકચરું ખાંડી, રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથ-પગની બળતરા મટે છે.
ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી હાથ-પગની બળતરા તથા પેશાબની બળતરા મટે છે.
એલચીને આમળાના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગના તળિયાની બળતરા મટે છે.

કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથ-પગની બળતરા મટે છે.
બે ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી, તેમાં સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.
સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી, દાહ, બળતરા, ખંજવાળ મટે છે.

દાંતની પીડા

હિંગને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો મટે છે.
દાંત હાલતા હોય અને દુ:ખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવાથી આરામ થાય છે.
સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
વડની વડવાઈનું દાંતણ કરવાથી હાલતા દાંત મજબૂત બને છે.
તલનું તેલ હથેળીમાં લઈને આંગળી વડે પેઢાં પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.