Thu Jun 18 2026

Logo

અમેરિકા પર ઈરાનનો સૌથી મોટો હુમલો, ડિએગો ગાર્સિયા પર છોડી બે મિસાઈલો

Newyork   2026-03-21 08:21:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 21 દિવસ થઈ ગયાં છે, પરંતુ હજી મામલો શાંત થયો નથી. આજે ફરી ઈરાને અમેરિકા પર હુમલો કર્યો છે. અમેરિકાના આર્મી બેઝ પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાને હિંદ મહાસાગરમાં સ્થિત યુએસ-બ્રિટિશ સંયુક્ત લશ્કરી બેઝ 'ડિએગો ગાર્સિયા' પર બે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ હુમલાના કારણે અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. કારણે કે, ઈરાને બે મિસાઈલો છોડી તેમાંથી એક નિષ્ફળ ગઈ અને બીજી મિસાઈલને અમેરિકન યુદ્ધ જહાજની SM-3 ઇન્ટરસેપ્ટર મિસાઇલ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી. 

22મા દિવસે ઈરાને અમેરિકા પર મોટો હુમલો

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પ્રતિદિન વધારે ઉગ્ર બની રહ્યું છે. આજે 22મા દિવસે ઈરાને અમેરિકા પર મોટો હુમલો કર્યો છે. ઈરાન માત્ર અમેરિકા અને ઇઝરાયલ પર જ નહીં પરંતુ આ બંને દેશોના જ્યા પણ આર્મી બેઝ આવેલા છે તે દરેક દેશો પર હુમલો કરી રહ્યું છે. મૂળવાત એ છે કે, ઈરાને મધ્યપૂર્વમાં માહોલ અશાંત કરી દીધો છે. જેના કારણે વિશ્વના અનેક દેશોને અસર થઈ રહી છે. 

મધ્યપૂર્વનો સંઘર્ષ સતત તીવ્ર બન્યો

ઇઝરાયલ, ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે. સતત મિસાઇલ હુમલાઓના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. યુનાઇટેડ સ્ટેટ્સે ત્રણ વધારાના યુદ્ધજહાજ અને આશરે 2,500 મરીન તૈનાત કરીને મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરીને મજબૂત બનાવી છે, જેનાથી કુલ સૈનિકોની સંખ્યા લગભગ 50,000 થઈ ગઈ છે. તેવામાં ઈરાનએ અમેરિકા પર હુમલાઓ શરૂ કરી દીધા છે. 

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ યુદ્ધના કારણે ઈંધણની અછત સર્જાઈ રહી છે. કારણ કે, ભારતમાં પણ તેની અસર જોવા મળી હતી. માત્ર ઈંધણ જ નહીં પરંતુ એલપીજીને લઈને પણ વિશ્વ ચિંતિત છે. કારણ કે, ઇંધણ અને એલપીજીની આયાત-નિકાસ માટે હોર્મુઝ દરિયાઈ માર્ગ અતિ મહત્વપૂર્ણ છે, પરંતુ આ માર્ગ પર ઈરાને નાકાબંધી કરી દીધી છે. જેથી કોઈ જહાજ અહીંથી પસાર થઈ શકતા નથી.