Wed Jun 03 2026

Logo

વસમી વિદાયઃ ત્રણ વર્ષના દીકરાએ જ્યારે શહીદ પિતાને આપ્યા મુખાગ્નિ: 17 દિવસ પહેલા જ જન્મ્યો હતો બીજો દીકરો...

2026-06-03 16:26:24
Author: Mumbai Samachar Team
Article Image

ઝુંઝનું (રાજસ્થાન): દેશમાં સેનાના કોઈ પણ જવાનના પરિવાર માટે એ ક્ષણ ખૂબ જ કપરી હોય છે જ્યારે એ જ પરિવારનો દીકરો-દીકરી તિરંગાની ચાદર ઓઢીને આવે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાના ઈંડાલી ગામે, જ્યાં 17 દિવસ પહેલા એક દીકરાનો જન્મ થયો, પણ પરિવાર પર એ ખુશીઓની કોઈ નજર લાગી ગઈ. ગત સોમવારે સેનાના ગ્રેનેડિયર સુનિલકુમારનો દેહ એમના વતન પહોંચ્યો હતો. આ સમયે ગામના દરેક લોકોની આંખોમાં પાણી, ચહેરા પર માયુસી અને દિલ ગમગીન બન્યું હતુ. સૌએ વીર દીકરાને ગુમાવ્યાનું દર્દ પણ હતું.

જીવલેણ અકસ્માત

30 વર્ષના ગ્રેનેડિયર સુનિલકુમાર થોડા દિવસ પહેલા જ રજા લઈને ઘરે આવ્યા હતા. પરિવારમાં પુત્રરત્નની પ્રાપ્તિ થતા પરિવારજનોની ખુશી સાતમા આસમાને હતી. સેલિબ્રેશનના માહોલ પછી અચાનક પિતાની વિદાય પરિવારના દરેક વ્યક્તિ માટે પચાવવી મુશ્કેલ છે. 17 દિવસના ક્યૂટ દીકરાને હાથમાં પકડીને એ પિતાએ કેવા સપના જોયા હશે? પત્ની રિંકુને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે સંતાનનો ઉછેર હવે એકલા હાથે કરવો પડશે. 

29 મેના થયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુનિલકુમારની સારવાર પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાર બાદ વધુ સારવાર માટે એમને જયપુરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટર્સની ટીમે પણ એમને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યા. આખરે જિંદગીએ મૃત્યુ સામે હથિયાર નીચે મૂકી દીધા. એમના મૃત્યુના સમાચાર એમના ગામે પહોંચતા આખું ગામ હિબકે ચડ્યું હતું. 

17 દિવસના પુત્રને લઈને પત્ની આવી

સોમવારે જ્યારે તિરંગાની ચાદરમાં મૃતદેહ એમના ગામે પહોંચ્યો ત્યારે હજારો લોકો ગામના વીર સપૂતના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. 14 કિમી લાંબી તિંરગા યાત્રા કાઢવામાં આવી, વીર તુમ અમર રહોના નાદ સાથે, સુનિલકુમાર અમર રહેથી ગામ ગુંજી ઊઠ્યું હતું. રસ્તામાં લોકોએ પુષ્પવર્ષા કરીને ગામના જવાનને શ્રદ્ધાંજલી અર્પી હતી.

આંખમાં આંસુ લાવી દે એવી ક્ષણ તો ત્યારે આવી જ્યારે પત્ની રિંકુ પોતાના 17 દિવસના પુત્રને લઈને પતિના અંતિમ દર્શન કરવા માટે પહોંચી હતી. પતિનો દેહ જોઈને આંખમાંથી આંસુ રોકાયા ન હતા. હૈયાફાટ રૂદનથી સમગ્ર કુટુંબીજનોની આંખમાં જાણે દરિયો છલકાયો હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું, જે બાળકે હજુ દુનિયા જોઈ નથી એના માથેથી પિતા નામની છત કાયમ માટે તૂટી ગઈ. ગામના સ્મશાન ઘાટ પર સૈન્ય સન્માન સાથે સુનિલકુમારને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

ગાર્ડ ઓફ ઓનર અપાયું

સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને જવાનને અંતિમ સલામી આપી હતી.હજારો લોકોના આંસુ વચ્ચેથી જવાને વિદાય લઈને પંચતત્વમાં શાંતિ શોધી લીધી. પણ પોતાની પાછળ આ જવાન એ યાદ છોડી ગયા જે ક્યારેય આ ગામ ભૂલી નહીં શકે. 

પરિવારજનોએ હવે આ યાદના સહારે સમય કાઢવો પડશે.અચાનક આવી અણધારી વિદાયથી પરિવારજનો તો શોકમગ્ન છે જ પણ એક આખું ગામ જવાનની આવી વિદાયથી દુઃખ વ્યક્ત કરી રહ્યું છે.