નવી દિલ્હી: હાલમાં અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોએ બંને દેશની સુરક્ષાની સ્થિતિનો પુરાવો આપી દીધો હતો. અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ તેમના પ્રવાસ દરમિયાન માત્ર દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો જ નહોતી કરી, પરંતુ પત્ની સાથે આગ્રાના તાજમહેલ, કોલકાતા અને જયપુરની પણ મુલાકાત લીધી હતી.
દિલ્હીમાં હાઈ-પ્રોફાઈલ વિસ્તારોમાં સુરક્ષા સઘન હોવા છતાં, ટ્રાફિક ડાઇવર્ઝન સિવાય નાગરિકો રોજિંદા જીવન કે શાળા-કોલેજો પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. બીજી તરફ જ્યારે ગયા મહિને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વાન્સ ઈરાન સાથેની વાટાઘાટો માટે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા, ત્યારે પાકિસ્તાનમાં પાંચ દિવસ સુધી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ઈરાની પ્રતિનિધિઓ સાથે શાંતિ વાટાઘાટો માટે ગયા મહિને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં હતા, જેમાં 21 કલાકથી વધુ સમય સુધી વાતચીત ચાલી હતી. જોકે, આ દરમિયાન પાકિસ્તાને સુરક્ષાના નામે આઠથી 12 એપ્રિલ સુધી સમગ્ર ઈસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરીને બંધ કરી દીધું હતું.
આ સમયગાળા દરમિયાન સરકારી રજાઓ જાહેર કરવામાં આવી, શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ અટકાવી દેવાયું હતું. રસ્તાઓ પર હજારોની સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આ સ્થિતિનું મુખ્ય કારણ તેની નબળી આંતરિક સુરક્ષા અને પોષેલો આતંકવાદ છે. પાકિસ્તાન અવારનવાર TTP, બલૂચ અલગતાવાદીઓ અને અન્ય ઉગ્રવાદી જૂથોના હુમલાનો શિકાર બનતું રહે છે, ખાસ કરીને જ્યાં અમેરિકી અને ચીની પ્રોજેક્ટ્સ છે.
વર્ષ 2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ પાકિસ્તાનમાં હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટ પર હુમલાનો ખતરો સતત રહેલો છે. આથી, જોખમને ટાળવા અને લાફો મારીને પણ અન્ય દેશોની સામે પોતાનો ગાલ લાલ રાખવાના મનસુબાથી પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ આખા શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું હતું.
બીજી તરફ, ભારત પણ જમ્મુ-કાશ્મીર અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું હોવા છતાં, દિલ્હી જેવા મોટા શહેરોમાં તેનું સુરક્ષા મોડલ સ્માર્ટ અને વ્યવહારુ છે. ભારતની ગુપ્તચર એજન્સી અને વિશેષ દળોના સુચારું સંકલન તેમજ ટેકનિકલ દેખરેખ પર આધાર રાખે છે.
ભારતમાં માત્ર જરૂરી વિસ્તારોને જ સીલ કરવામાં આવે છે, જેથી આખા શહેરને આર્થિક નુકસાન ન થાય અને જાહેર જીવનને ઓછામાં ઓછી અસર પહોંચે છે. ટૂંકમાં, ભારતમાં હાઈ-પ્રોફાઈલ સુરક્ષા વચ્ચે પણ જનજીવન સામાન્ય રહ્યું હતું, જ્યારે પાકિસ્તાનને આતંકવાદના ડરથી આખા પાટનગરને 5 દિવસ સુધી બંધ રાખવું પડ્યું, જે પાકિસ્તાનની નબળા કાયદો અને વ્યવસ્થા દર્શાવે છે.