Thu Jun 25 2026

Logo

માનસ મંથનઃ જીવનમાં બધુ બચાવવામાં ક્યાંક મૂળ કેન્દ્રનું વિસ્મરણ તો નથી થતું ને?

2026-06-22 12:59:00
Author: Morari Bapu
Article Image

 

મોરારિબાપુ

સ્વામી રામતીર્થ, બાદશાહ રામ, એમની ડાયરીનો એક પ્રસંગ છે. પોતાની ડાયરીમાં એમણે જાપાનનો એક પ્રસંગ લખ્યો છે. જાપાનમાં એક અતિ ધનાઢ્ય વ્યક્તિ રહેતો હતો. શ્રીમંત હતો અને તેની પાસે બે માળનું ખૂબ સુંદર મકાન હતું. જાહોજલાલીભર્યું જીવન વ્યતીત કરતો હતો. દરરોજ સાંજે તે પાસેના એક બગીચામાં ફરવા પણ જાય. 

એક વખત એવું બન્યું કે તે ફરીને જ્યાં પોતાના ઘર તરફ આવ્યો ત્યાં તેણે પોતાના ઘરમાં અગ્નિની જ્વાળાઓ જોઈ. તેણે જોયું કે ઘરના પ્રથમ માળમાં આગ લાગી હતી. તે બૂમો પાડવા લાગ્યો. તેની પાસે ઘણાં બધા નોકર-ચાકરો હતા. આગ લાગી એટલે એ બધા પણ બહાર આવી ગયા હતા. વફાદાર સેવકો હતા એટલે જીવનું જોખમ લઈને પણ ઘરમાં જઈ જઈ જેટલી ઘરવખરી બચાવી શકાય તેટલી બચાવવા લાગ્યા હતા. જે વસ્તુ વધુ મૂલ્યવાન લાગે તે બહાર કાઢતા જતાં હતા. પેલો શ્રીમંત માણસ સૂચનાઓ આપે અને જે ઘરવખરી બહાર આવે તે નોંધે. આમ થોડા સમયમાં તો ઘણી અગત્યની ચીજ-વસ્તુઓ બચાવી લેવાઈ.

સ્વામી રામતીર્થે આ બહુ પ્રેરણાદાયી વાત લખી છે. મકાન બળતું હતું અને કર્મચારીઓ, સહાયક લોકો જાનની બાજી લગાવી મકાનમાંથી કિંમતી વસ્તુઓ કાઢી રહ્યા હતા. તિજોરી, કિંમતી કપડાં, ઘરેણાં જેટલું જેટલું બચાવાય એટલું બહાર કાઢ્યું. ઘરના માલિકે પૂછ્યું કે બધું આવી ગયું ? સહાયકે કહ્યું ‘હા, મોટાભાગની મૂલ્યવાન વસ્તુઓ આપણે બચાવી લીધી છે. માલિક કહે સારું કર્યું, હું બહુ ચિંતિત હતો કે આ આગ વિકરાળ છે અને ક્યાંક બધું ભરખાઈ ન જાય!’ સહાયક કહે ‘ના, આપ ચિંતા ન કરો, મોટાભાગની વસ્તુઓ આપણે બહાર કાઢી લીધી છે.’

આમ વાત ચાલતી હતી એટલામાં તો આગ ગ્રાઉન્ડફ્લોર સુધી પહોંચી ગઈ. વધુ ને વધુ વિકરાળ બનતી જતી હતી. બધા એકબીજાને પૂછી પૂછીને પાક્કું કરતાં જતા હતા કે કોઈ વસ્તુ બચાવવાની બાકી તો નથી રહીને ? એટલામાં તો એક માણસને કંઈક યાદ આવ્યું અને તે જાનની બાજી લગાવી આગમાં કૂદી પડ્યો. ગ્રાઉન્ડફ્લોરના એક કમરા તરફ દોડ્યો. થોડીવારે એક લાશ લઈને આવ્યો ! કોણ હતો તે ? કોની લાશ હતી ? શેઠનો એકનો એક દીકરો તો ભુલાઈ ગયો હતો ! પેલો શ્રીમંત ભૂલી ગયો કે તેનો પુત્ર તો અંદર જ છે ! બધું બચાવી લીધું એ સારું થયું.

પણ બાપ તો બૂઢો હતો, અસલી માલિક એનો દીકરો કે જેને આ બધું મળવાનું હતું તે મરી ગયો. સ્વામી રામતીર્થ ઘટના જોતાં હતા, તેમણે ડાયરીમાં લખી લીધું કે- ‘ચીજો તો બચી ગઈ પણ ચીજોનો માલિક મરી ગયો...’

પૂર્ણ કુંભ છે અને કથા કુંભકર્ણની લઈ રહ્યો છું. સંતોના અમૃતવચનો એના કાનમાં આવી ગયાં અને એ માણસ જાગી ગયો. ભગવાન કરે ને આ વચનો આપણા કર્ણકુંભમાં આવી જાય, આપણી ભીતરી ચેતના જાગી જાય, રામને ઓળખી જાય, કેન્દ્રની ઓળખાણ થઈ જાય તો ઘટના ઘટી જાય. કથાને ગંભીરતાથી લેજો બાપ. કથા કોઈ મનોરંજન નથી, કથા તો જીવન બનાવે છે ! જ્યારે કોઈ સત્સંગ મળે ત્યારે સમજવું કે જે નિરાકાર હતી એ કૃપા કોઈ ને કોઈ રૂપ ધારણ કરી રહી છે. રામકથાથી સત્સંગ સુલભ થાય છે. એ સત્સંગ એ જ માત્રામાં કરીશું તો વિવેકનો જન્મ થશે અને વિવેક પ્રગટ થશે તો ‘મોહ, ભ્રમ, ભાગા.’ 

મારાં ભાઈ-બહેનો, મન સ્થિર થઇ જાય તો મોટી ઉપલબ્ધિ છે, પણ ન થાય તો હરિનામ જપો. કોઈ પણ સ્થિતિ આવે, હરિનામ જપવું એ એક તપશ્ર્ચર્યા છે. સારા ઘરમાં રહો, કોઈ ચિંતા નહીં, પણ હરિનામ જપતાં સૂઓ. 

ભાવથી જપો, મન લાગે કે ન લાગે, અહીં-તહીં ભટકે તો પણ ચિંતા નહીં. તમે ખૂબ રામ જપો. ખૂબ ‘માનસ’ નું પારાયણ કરો. મનની ચિંતા છોડો. કળિયુગ છે,બહુ છૂટ આપી છે. હરિનામ ખૂબ જપો. એ જ પરમતત્ત્વ છે, પરમ તપ છે.
સંકલન: જયદેવ માંકડ