નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને મળેલા આકરા પરાજય બાદ મમતા દીદીના વલણમાં આવેલી નરમાશે 'કીધે કુંભાર ગધેડે ના ચડે' કહેવતે સાથક કરી બતાવી છે અને હવે દીદી તેની હઠાગ્રહ ભરેલી 'એકલા ચાલો રે'ની નીતિથી ખસીને હવે સરેન્ડરના મૂડમાં હોય એવું લાગે છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં વિપક્ષી દળોના 'INDI' ગઠબંધન (Indian National Developmental Inclusive Alliance)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મમતા બેનરજી સહિત અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળમાં TMCમાં ચાલી રહેલા ભારે આંતરિક ઘમાસાણ અને ધારાસભ્યો-સાંસદોના બળવાની સ્થિતિ વચ્ચે મમતા બેનરજીની આ બેઠકમાં હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેઠક દરમિયાન મમતા બેનરજીએ વિપક્ષી નેતાઓને જણાવ્યું હતું કે હવે તેમની પાસે સમય છે, તેથી જો ઇન્ડિ. ગઠબંધન ઇચ્છે તો તેમનો ઉપયોગ કરી શકે છે. TMCનાં પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બેઠકમાં એ મુદ્દો પણ ગંભીરતાથી ઉઠાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) કઈ રીતે અન્ય રાજકીય પાર્ટીઓને તોડવાનું કામ કરી રહી છે.
આ ઉપરાંત, આ બેઠકમાં વિપક્ષી પક્ષો વચ્ચે બહેતર સંકલન માટે સ્ટેટ અને નેશનલ કોઓર્ડિનેશન કમિટી બનાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. બેઠકમાં લેફ્ટ પાર્ટીના નેતાઓએ કેરળમાં કોંગ્રેસ દ્વારા ભાજપ અને વામપંથી દળોની કરવામાં આવેલી સરખામણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કેરળ યુનિટે તેમને અમુક સ્ટેન્ડ લેવા કહ્યું હતું અને તેથી પાર્ટીએ તે મુજબનું સ્ટેન્ડ લીધું છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યા બાદ હવે TMCના સાંસદો પણ મમતા બેનરજીને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. માહિતી મુજબ TMCના આશરે 20 સાંસદો અલગ જૂથ બનાવી શકે છે અને આ અંગેનો નિર્ણય ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવના ઘરે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં TMCના 28 સાંસદ છે અને પક્ષપલટા કાનૂનથી બચવા અલગ જૂથ બનાવવા માટે બે તૃતીયાંશ એટલે કે 18 સાંસદોના સમર્થનની જરૂર છે, ત્યારે TMCના બળવાખોર સાંસદોનો આંકડો હવે તેના કરતા પણ વધુ થઈ ગયો છે.