Wed Jun 03 2026

Logo

વિદેશી પ્રવાસીઓ માટે વળતરના નિયમો શું? દિલ્હીની હોનારત બાદ એમ્બેસી અને ઈન્શ્યોરન્સ કંપનીઓના રોલનો ખાસ રિપોર્ટ...

2026-06-03 14:37:49
Author: Darshana Visaria
Article Image

દેશની રાજધાની દિલ્હીના પોશ ગણાતા માલવીય નગરની એક હોટેલમાં ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક અગ્નિકાંડમાં વિદેશી પ્રવાસીઓ સહિત કુલ 21 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે સવાલ થાય એ સ્વાભાવિક છે કે મૃતકોને સરકાર દ્વારા તો વળતર આપવામાં આવશે, પરંતુ વિદેશી નાગરિકોને પણ વળતર મળશે કે કેમ? ચાલો આજે તમને આ સ્ટોરીમાં જણાવીએ કે આખરે આ માટે શું છે નિયમ... 

વાત કરીએ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા વિદેશી નાગરિકોને વળતર મળશે કે નહીં, આ માટેના નિયમો શું છે એની તો જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના ઘટે છે, ત્યારે પીડિત પરિવારો પર આભ તૂટી પડતું હોય છે. આવા મુશ્કેલ સમયમાં તેમની આર્થિક અને સામાજિક સુરક્ષા માટે સરકારી સહાય અને વળતરનો મુદ્દો ખૂબ મહત્વનો બની જાય છે. 

કાયદાકીય ધારાધોરણો અને સરકારી નિયમો અનુસાર, આ પ્રકારના અકસ્માતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રધાન રાહત ફંડ કે પછી વડાપ્રધાન રાહત ફંડમાંથી આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે છે. મૃતકોના આશ્રિતોને વળતર અને ઈજાગ્રસ્તોને મફત તબીબી સારવાર આપવાની કાનૂની જોગવાઈ છે.

જોકે, વિદેશી નાગરિકોના મૃત્યુના કિસ્સામાં વળતર અને લીગલ પ્રોસિઝર થોડી કોમ્પ્લિકેડેટ અને ઈન્ટરનેશનલ લેવલની બની જાય છે. આવા સંજોગોમાં ભારત સરકાર સંબંધિત દેશના એમ્બેસીના માધ્યમથી મૃતદેહોને વતન મોકલવા અને કાનૂની સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરે છે. આ સિવાય જો તપાસમાં હોટલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી સાબિત થાય, તો પીડિતો અથવા તેમના પરિવારો કન્ઝ્યુમર ફોરમ અથવા સિવિલ કોર્ટ દ્વારા હોટલ માલિક અને તેની ઈન્શ્યોરન્સ કંપની પાસે કરોડો રૂપિયાના વળતરનો દાવો કરી શકે છે. 

હાલમાં પોલીસ અને ફાયર વિભાગ એ વાતની સઘન તપાસ કરી રહ્યું છે કે હોટલ પાસે અગ્નિશમન વિભાગનું સત્તાવાર એનઓસી (NOC) હતું કે નહીં, જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની હોટેલમાં થયેલાં ભાયનક અગ્નિકાંડની આ દુર્ઘટનાએ કમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ઘોર બેદરકારી પર ફરી એકવાર સવાલો ઉપસ્થિત કર્યા છે.