Tue Apr 28 2026

Logo

મહારાષ્ટ્રમાં વાનર પકડવા પર મળશે ₹ 600: જાણો શું છે સરકારની 'કેશ ફોર કેચ' સ્કીમ?

2026-04-27 17:41:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વાનરો જંગલો છોડીને માનવવસ્તીમાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને માનવ-વાનરો વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે, જે કોઈ વાનરને પકડશે તેને પૂરા 600 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે 22 એપ્રિલે આ આદેશ જારી કર્યો હતો. 

હકીકતમાં શહેરો અને ગામડાઓમાં રીસસ મકાક અને હનુમાન લંગુરની વધતી સંખ્યા રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. તેઓ ઘરમાં ઘૂસીને વસ્તુઓ ઉપાડી જાય છે અને ક્યારેક પસાર થતા લોકો પર હુમલો કરે છે. આ ઘટનાઓએ વહીવટીતંત્રની ઊંઘ ઉડાડી દીધી છે, પરિણામે, વન વિભાગે "કેશ ફોર કેચ" નામની પહેલ શરૂ કરી છે.

આ યોજના હેઠળ વાંદરાઓને પકડવા માટે જાળી અને પાંજરાનો ઉપયોગ કરવામાં આવશે. પકડાયેલા દરેક વાનરના ફોટોગ્રાફ લેવામાં આવશે. ત્યારબાદ તેમને શહેરથી ઓછામાં ઓછા 10 કિલોમીટર દૂર જંગલોમાં છોડી દેવામાં આવશે.

600 રૂપિયા માટે કોણ જોખમ લેશે?

વહીવટીતંત્રે જાહેર કરેલી 600 રૂપિયાની રકમ ચર્ચાનો વિષય બની છે. લોકો પ્રશ્નો કરી રહ્યા છેકે, શું કોઈ આટલી નાની રકમ માટે આટલું જોખમ લેશે? કારણ કે વાનરોને પકડવાનું સરળ નથી, ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે.

વાનરો પર હુમલા થઇ રહ્યા છે

ગયા મહિને મહારાષ્ટ્રમાં વાનરો પર હુમલાના સમાચાર આવ્યા હતા. યેઉરના જંગલમાં તીરથી ઘાયલ બે વાનર મળ્યા હતા. વન વિભાગે તપાસ શરૂ કરી અને ગુનેગારોની માહિતી આપનારને ₹ 25,000નું ઇનામ જાહેર કર્યું હતું. વન્યજીવ કલ્યાણ નિષ્ણાતોએ ઘાયલ વાનરોને બચાવી અને તાત્કાલિક સારવાર આપી હતી.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુનેગારોને શોધવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે, તેમણે ઉમેર્યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ સંભવિત કડીઓ શોધી રહ્યા છીએ. વન અધિકારીએ ગુનેગારો સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે બે કેસ નોંધાયા હતા.