Fri May 29 2026

Logo

સરકારી કર્મચારીઓ માટે હિન્દી ભાષાની પરીક્ષા મુલતવી:, ઉદય સામંત

2026-05-06 18:06:36
Author: વિપુલ વૈદ્ય
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરી હિન્દી વિરુદ્ધ મરાઠીનો વિવાદ વિકરાળ સ્વરૂપ પકડે તે પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે પારોઠનાં પગલાં ભરીને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ હિન્દીના વિષય પર થયેલા આંદોલનોને કારણે સરકારને જે નુકસાન ઉઠાવવું પડ્યું હતું તેને કારણે હવે વિવાદ વધે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલ કરવામાં આવી રહ્યું છે. 
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે 28 જૂને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે હિન્દી ભાષાની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ગેઝેટેડ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હતી.

જોકે, રાજ્ય સરકારના આ નિર્ણય પછી, શિવસેના (યુબીટી), મનસે અને કેટલાક અન્ય સંગઠનોએ આંદોલનની ચેતવણી આપી હતી. આથી રાજ્યમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાનો વિવાદ થવાની શક્યતા હતી. આ ઘટના પછી, રાજ્ય સરકારે હવે સરકારી કર્મચારીઓ માટે લેવામાં આવનારી હિન્દી ભાષાની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રધાન ઉદય સામંતે આ સંદર્ભમાં માહિતી આપી હતી. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા હોવા છતાં હિન્દી ભાષા ફરજિયાત કેમ છે? આ પાછળનું કારણ શું છે? આવા ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ, સરકારે આખરે સરકારી કર્મચારીઓ માટે હિન્દી ભાષાની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

‘મને મીડિયા દ્વારા ખબર પડી કે આવી પરીક્ષા મરાઠી ભાષા નિયામકમંડળ દ્વારા લેવામાં આવશે. તે પછી, મેં અમારા મુખ્ય સચિવ કિરણ કુલકર્ણી સાથે ચર્ચા કરી. હિન્દી ભાષાની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે તે પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,’ એમ રાજ્યના પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. ‘શું ભવિષ્યમાં હિન્દી ભાષાની પરીક્ષા જરૂરી છે? રાજ્યના મરાઠી ભાષા ખાતાના પ્રધાન તરીકે હું પોતે આ તપાસ કરીશ. તે પછી, જો આ પરીક્ષા જરૂરી હશે, તો અમે આ પરીક્ષા લઈશું, નહીં તો, જો આ પરીક્ષા જરૂરી નહીં હોય, તો અમે આ પરીક્ષા ન લેવાનો નિર્ણય લઈશું,’ એમ પણ ઉદય સામંતે જણાવ્યું હતું. 

મનસેની ચેતવણી?
સરકારી કર્મચારીઓ માટે હિન્દી ભાષાની પરીક્ષા ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણય અંગે બોલતા, મનસેના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે આ રીતે અધિકારીઓને હિન્દી શીખવવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં કામ કરતા અથવા મહારાષ્ટ્રના અધિકારીઓ પાસેથી હિન્દી શીખવાની અપેક્ષા રાખવામાં આવતી નથી, પરંતુ જે લોકો મહારાષ્ટ્રમાં કામ કરવા આવે છે તેઓએ મરાઠી શીખવાની જરૂર છે. તેથી, અમે આવી પરીક્ષાઓ લાદીને હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના સરકારના પ્રયાસની સખત નિંદા કરીએ છીએ. રાજ્ય સરકાર પાસે અમારી માગણી છે કે આ પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે. નહિંતર, પરીક્ષા કેન્દ્રની બહાર બનનારા કોઈપણ દ્રષ્યો માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે,’ એમ સંદીપ દેશપાંડેએ ચેતવણીના સુરમાં જણાવ્યું હતું. 

શિવસેના (યુબીટી)એ શું કહ્યું?
શિવસેના (યુબીટી)ના નેતા સાંસદ સંજય રાઉતે પણ આ પરીક્ષાનો વિરોધ કર્યો હતો. તેવી જ રીતે, કિશોરી પેડણેકરે આ સંદર્ભમાં કહ્યું હતું કે શું સરકાર રાજ્યના લોકોને ખુશીથી જીવવા દેશે કે નહીં? જ્યારે રાજ્યમાં મરાઠી ભાષા છે, ત્યારે શું હિન્દી ભાષાની પરીક્ષા આપવાની જરૂર છે? હિન્દીનો કોઈ વિરોધ નથી. પરંતુ આ રીતે હિન્દીને ફરજિયાત બનાવવાનું કારણ શું છે?