Tue Apr 28 2026

Logo

રાજ્યમાં સતત બીજા દિવસે આગ ઝરતી ગરમી: વિદર્ભના અકોલામાં પારો ૪૬.૯ ડિગ્રી

2026-04-27 08:56:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં રવિવારે પણ કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. મુંબઈમાં દિવસ દરમ્યાન ગરમી ઉકળાટ વચ્ચે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન વિદર્ભના અકોલામાં ૪૬.૯ ડિગ્રી જેટલું ઊંચુ રહ્યું હતું. સોમવારથી તાપમાનમાં હળવો ઘટાડો થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતા વિસ્તારોમાં શનિવાર બાદ રવિવારે સતત બીજા દિવસે પણ તાપમાન ઊંચુ રહ્યું હતું. હવામાન વિભાગે સોમવારથી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે, તે મુજબ પારો નીચે ઉતરે એવી શકયતા છે. જોકે રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગ ઝરતી ગરમીનો અનુવભ કર્યો હતો. દિવસ દરમ્યાન આકરો તકડો પડી રહ્યો હોવાથી લૂ લાગવાના પણ અનેક બનાવ નોંધાયા હતા. 
મુંબઈના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. જયારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને લઘુતમ ૨૬.૦ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈના રામ મંદિર વિસ્તારમાં ૩૬.૮ ડિગ્રી, વિક્રોલીમાં ૩૫.૬ ડિગ્રી, બાન્દ્રામાં ૩૫.૭ ડિગ્રી, વિદ્યાવિહારમાં ૩૪.૬ ડિગ્રી, ચેમ્બુરમાં ૩૪.૫ ડિગ્રી, ભાયખલામાં ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યના વિદર્ભ રિજનમાં મોટાભાગના જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ પારો નોંધાયો હતો. અકોલા ૪૬.૯ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરાવતીમાં ૪૬.૮ ડિગ્રી, વર્ધામાં ૪૬.૪ ડિગ્રી, યવતમાળ ૪૬.૦, નાગપૂરમાં ૪૫.૪ ડિગ્રી, ચંદ્રપુરમાં ૪૫.૦, ગોંદિયામાં ૪૪.૪, બ્રહ્મપુરીમાં ૪૪.૨ ડિગ્રી,   બુલઢાણા ૪૩.૫ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન  નોંધાયું હતું. તો  મરાઠવાડાના છત્રપતિ સંભાજી નગરમાં ૪૩.૪ ડિગ્રી અને પરભણીમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન  નોંધાયું હતું.જ્યારે મધ્ય મહારાષ્ટ્રના જળગાંવ અને  માલેગાંવમાં ૪૩.૨ ડિગ્રી, સોલાપુરમાં ૪૩.૦ ડિગ્રી, પુણેમાં ૪૧.૮ ડિગ્રી, નાશિક, સાંગલી અને સતારામાં ૪૧.૪ ડિગ્રી અને હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૩૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મહાબળેશ્ર્વરથી થશે હવામાનની આગાહી
કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્રના હવામાનનો અચૂક અંદાજ અને તે પણ ત્રણ કલાક પહેલા મળવાોન છે. અતિવૃષ્ટિનો ભાગ રહેલા મહાબળેશ્ર્વર સહિત સમગ્ર મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી, મેઘગર્જના અને વરસાદનો અપડેટ પણ જલદી મળશે. તેમ જ મુંબઈ-કોંકણના હવામાન અંદાજ પણ મહાબળેશ્ર્વરથી મળશે. ઈન્ડિયન ઈન્સ્ટ્યિૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી તરફથી મિશન મૌસમ ઝુંબેશ હાથ લેવામાં આવી છે, જે અંતર્ગત શનિવારે એક્સ બેન્ડ રડાર બેસાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

મહાબળેશ્ર્વરમાં બેસાડવામાં આવેલા આ રડારથી સાતારા, પુણે, કોંકણ અને મુંબઈ વિભાગનો હવામાન અંદાજ તાત્કાલિક મેળવી શકાશે, તે પણ ત્રણ કલાક પહેલા મળશે. પશ્ર્ચિમ ઘાટમાં સમુદ્રની સપાટીથી લગભગ ૧,૪૦૦ મીટર ઊંચાઈ પર આ રડાર બેસાડવામાં આવ્યું છે.  વરસાદ, વાદળ અને વાદળોનો રિયલ ટાઈમ લેવા માટે તે વાતાવરણનું સતત મોનિટરિંગ કરતું રહેશે. તેથી વરસાદ, મેઘગર્જના, અતિવૃષ્ટિ અને વાદળાનું નિર્માણ જેવી બાબતોનો અભ્યાસ પણ સહેલાઈથી કરી શકાશે.