Wed Jul 29 2026

Logo

કોંગ્રેસે વિધાનસભામાં રાંધણ ગેસની ‘ગંભીર’ અછતનો દાવો કર્યો, સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી

2026-03-11 19:37:59
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કોંગ્રેસે બુધવારે વિધાનસભામાં એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ઘરેલુ રાંધણ ગેસની અછત છે અને એવી માગણી કરી હતી કે સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરવી અને તેને દૂર કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે ગૃહને જાણકારી આપવી. 

આ મુદ્દો ઉઠાવતા, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે પશ્ર્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે રાંધણ ગેસની ‘ગંભીર’ અછતથી રાજ્યભરના ઘરોમાં ભય અને ચિંતા પેદા થઈ છે.
તેમણે કહ્યું કે જ્યારે સરકાર વિકાસની વાત કરે છે, ત્યારે સામાન્ય લોકો ચિંતામાં છે કે ગેસની અછતને કારણે તેઓ ઘરે ખોરાક કેવી રીતે રાંધશે. ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે અનેક ખાણીપીણીની દુકાનો બંધ રહી છે, એમ તેમણે કહ્યું.

ચાલુ સત્રનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે બુધવારે રાતે 1 વાગ્યા સુધી ગૃહ કાર્યરત રહ્યું હોવા છતાં વિધાનસભા કેન્ટીન બંધ હતી, અને દક્ષિણ મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે પરિસરની બહારની ઘણી હોટલો પણ કથિત અછતને કારણે બંધ હતી.

તેમણે એવો દાવો કર્યો હતો કે ગેસની અછતને કારણે મુંબઈ અને નાગપુરમાં લગભગ 30 ટકા હોટલો બંધ થઈ ગઈ છે, જેના કારણે આર્થિક પ્રવૃત્તિ પર અસર પડી છે. કોંગ્રેસના નેતાએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે આ અછત કાળાબજાર તરફ દોરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના આશરે 18 લાખ રૂપિયાના એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરો વહન કરતી એક ટ્રક તાજેતરમાં ચોરાઈ ગઈ હતી, જેને તેમણે કાયદો અને વ્યવસ્થાની ગંભીર ચિંતા ગણાવી હતી.

વડેટ્ટીવારે વધુમાં જણાવ્યું હતું કે કોલ્હાપુર અને વિદર્ભ ક્ષેત્ર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગેસની અછત સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અને ખાસ કરીને મહિલાઓ આ પરિસ્થિતિથી ભારે ચિંતિત છે.
કારણ કે એલપીજી પુરવઠો કેન્દ્ર સાથે સંબંધિત છે, રાજ્ય સરકારે ગૃહને વર્તમાન સ્ટોક અને સુગમ પુરવઠો સુનિશ્ર્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે જાણ કરવી જોઈએ, એવી તેમણે માગણી કરી હતી.
આ મુદ્દાના જવાબમાં, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે આ મામલો કેન્દ્ર સાથે સંબંધિત હોવા છતાં, રાજ્ય સરકાર લોકોના હિતમાં યોગ્ય પગલાં લેશે.

અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલા અને તેહરાનના બદલાને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયો છે, જેના દ્વારા ભારત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી 85-90 ટકા એલપીજી આયાત કરતું હતું. વૈકલ્પિક સ્ત્રોતોની શોધ થઈ રહી હોવાથી, ઉપલબ્ધ મર્યાદિત પુરવઠાનો અર્થ એ થયો કે સરકાર સ્થાનિક ક્ષેત્રને પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે, અને આ પ્રક્રિયામાં, વ્યાપારી સંસ્થાઓને નુકસાન થયું છે.