(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નીટ-યુજી પેપર લીક થયાને હજુ બે મહિના વીત્યા નથી ત્યાં હવે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી), 2026નું પ્રશ્ર્નપત્ર લીક થતાં ભારે હોબાળો મચી ગયો હતો. જોકે મહારાષ્ટ્રમાં થનારી આ પરીક્ષાનું પેપર છેક હરિયાણા અને બિહારના યુવાનો ભિવંડીમાં વેચવા આવતાં તેમની પાસે એ કઈ રીતે આવ્યું તેની તપાસ પોલીસ કરી રહી છે. ભિવંડીમાંથી પકડી પાડેલા ત્રણ આરોપીની પૂછપરછ કરી પોલીસે આ આખા રૅકેટનો પર્દાફાશ કરીને સૂત્રધારને લૉકઅપભેગો કરવા કમર કસી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજીવ શૉ (45), આકાશ કુમાર (30) અને ધીરજ સિંહ (28) તરીકે થઈ હતી. રાજીવ અને આકાશ બિહારના, જ્યારે ધીરજ હરિયાણાનો વતની હોવાનું પોલીસનું કહેવું છે. તેમની પાસેથી મોબાઈલ ફોન્સ, રોકડ રકમ અને ટીઈટી પરીક્ષાના પ્રશ્ર્નપત્રના ચાર સેટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે કોનગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ટીઈટીના પ્રશ્ર્નપત્ર વેચવાને ઇરાદે અમુક શખસ ભિવંડીના કોનગાંવ ખાતે આવવાના હોવાની માહિતી પોલીસને મળી હતી. રાજ્યમાં 37 સ્થળે આવેલા 1,728 સેન્ટરમાં લગભગ છ લાખ ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. પ્રશ્ર્નપત્ર વેચવાની માહિતીની ખરાઈ તપાસવા માટે અલગ અલગ ટીમ કામે લાગી હતી. આખરે શકમંદ જણાયેલા ત્રણેયને તાબામાં લેવાયા હતા.આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા પ્રશ્ર્નપત્રોની ચકાસણી કરવા માટે શિક્ષણ વિભાગની મદદ લેવામાં આવી હતી. ચકાસણી બાદ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીએ ખાતરી કરી હતી કે શકમંદો પાસેથી જપ્ત કરાયેલા પેપર ઑરિજિનલ ક્વેશ્ર્ચન પેપર્સ છે, જેની પરીક્ષા રવિવારે, 28 જૂને થવાની હતી.
આશ્ર્ચર્યની વાત એટલે મહારાષ્ટ્રમાં થનારી પરીક્ષાના પેપર બિહાર અને હરિયાણાના યુવાનો વેચવા આવ્યા હતા. આ પેપર તેમની પાસેથી ક્યાંથી આવ્યા તેનોે સ્રોત પોલીસ શોધી રહી છે. આરોપીઓ આંતરરાજ્ય સિન્ડિકેટના સભ્યો હોવાનું પોલીસનું માનવું છે. આ રૅકેટનો સૂત્રધાર ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આ મામલે પોલીસ ભિવંડીના અમુક કોચિંગ સેન્ટરની પણ તપાસ કરશે.
એસઆઈટી કરશે તપાસ
મુંબઈ: રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો આ પેપર લીકનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી તેની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવવામાં આવી છે, જેનું નેતૃત્વ ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) પવન બનસોડ કરશે. આ ટીમમાં બે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી), નવ પોલીસ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરાયો છે. આ રૅકેટના માસ્ટરમાઈન્ડની શોધ ચલાવવામાં આવી રહી છે. રૅકેટ સાથે સંકળાયેલા અન્ય શકમંદોની તપાસ અને પેપર લીકનો સ્રોત શોધી કાઢવા અધિકારીઓની ટીમ અલગ અલગ સ્થળે મોકલવામાં આવી છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
દોઢ કરોડ રૂપિયામાં વેચવાના હતા પેપર
મુંબઈ: ટીઈટીના પેપર સાથે ભિવંડીમાંથી પકડાયેલા ત્રણ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકવાનારી માહિતી સામે આવી રહી છે. આ પેપર આરોપીઓ દોઢ કરોડ રૂપિયામાં વેચવાની તૈયારીમાં હતા. બિહાર અને હરિયાણાના વતની એવા ત્રણેય આરોપી ભિવંડીમાં કોના સંપર્કમાં હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. એ સિવાય કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે તેમની કડી જોડાયેલી છે કે પછી ભિવંડીમાં તેમનો કોઈ એજન્ટ હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.