(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભયંકર ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટમાં વધારો થયો છે ત્યારે આજે સવારે મુંબઈની લાઈફલાઈન પર અચાનક બ્રેક લાગી ગઈ હતી. મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) વાયર તૂટવાને કારણે લોકલ ટ્રેનસેવા ઠપ્પ થઈ ગઈ હતી. મોર્નિંગ પીક અવર્સમાં અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં ટ્રેનસેવા સ્થગિત થઈ જવાને કારણે અનેક લોકોએ જીવના જોખમે ટ્રેનમાંથી જમ્પ મારીને ટ્રેક પર ચાલ્યા હતા.
હાર્બર લાઇન ખોરવાતા પ્રવાસીઓ રેલવેના પાટા પર ચાલવા 'મજબૂર'!
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 12, 2026
મુંબઈની હાર્બર લાઇન પર માનખુર્દ અને ગોવંડી સ્ટેશનની વચ્ચે ઓવરહેડ વાયર (ઓએચઈ) તૂટી જતાં પનવેલથી CSMT વચ્ચેની લોકલ સેવા ખોરવાઈ હતી. પીક અવર્સમાં લોકલ ટ્રેનસેવા પર ગંભીર અસર થવાથી પ્રવાસીઓએ પ્રશાસન વિરુદ્ધ વ્યક્ત કરી… pic.twitter.com/aT8xtr4U8i
હાર્બર લાઈનમાં માનખુર્દ અને ગોવંડી સ્ટેશન વચ્ચે સવારના 9.15 વાગ્યે ઓવરહેડ વાયર તૂટી જતાં પનવેલથી સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને CSMT-પનવેલ વચ્ચેની લોકલ ટ્રેન સેવા અનિશ્ચિત સમયગાળા માટે બંધ કરવામાં આવી હતી, પરિણામે હાર્બર લાઈનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને એક નહીં ડબલ ફટકા પડ્યા હતા.
સિંગલ કોરિડોર હોવાથી તાત્કાલિક અન્ય વિકલ્પ નહોતો, જેથી અમુક લોકો ટ્રેનમાં જ રોકાઈ ગયા હતા, જ્યારે અમુકે રેલવે ટ્રેક પર ચાલી નીકળ્યા હતા. જોકે, અમુક ઉલા-ઉબેર મારફત ટ્રાવેલ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ એમાં પણ ભાવ વધારો જોવા મળ્યો હતો.
રેલવેએ કહ્યું હતું કે સવારના સાડાનવ વાગ્યાના સુમારે ઓએચઈમાં ખામીને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી, પણ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઓવરહેડ વાયરની મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામ પૂર્ણ થતાં જ લોકલ સેવા ફરીથી પૂર્વવત કરવામાં આવશે તેવી જાહેરાત સ્ટેશનો પર વારંવાર કરવામાં આવી રહી છે. જોકે, ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે બંને લાઈનનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેથી ટ્રેનસેવા પર અસર થઈ હતી. ટ્રેન અને સ્ટેશન પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી.
અહીં એ જણાવવાનું કે છેલ્લા અઠવાડિયાથી હાર્બર લાઈનમાં પ્રવાસીઓને એક નહીં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક બાજુ પનવેલ-કર્જત નવી લાઈનનું કામ ચાલી રહ્યું છે, જ્યારે બીજી બાજુ પનવેલ સ્ટેશન પર પણ અનેક કામકાજ ચાલી રહ્યા છે, જેથી લોકલ ટ્રેનો નિયમિત લેટ દોડતી રહે છે, જેથી પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું આકરી પીડાસમાન બની ગયું છે. અહીં એ જણાવવાનું કે રોજના 10 લાખથી વધુ પ્રવાસી હાર્બર લાઈનમાં ટ્રાવેલ કરે છે, જેમાં મુખ્ય કોરિડોર સીએસએમટીથી પનવેલ છે, જ્યારે થાણે-વાશી-નેરુલ પનવેલ રુટ સિવાય ગોરેગાંવ રુટનો પણ સમાવેશ થાય છે. એસી લોકલ સહિત નોન-એસી લોકલ મળીને રોજના 550થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.