લાતુર: લાતુરમાં શૈક્ષણિક સંસ્થાના 65 વર્ષના સ્થાપકે પોતાના નિવાસસ્થાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.મૃતકની ઓળખ સંજીવ સોનાવણે તરીકે થઇ હતી, જેઓ ચંદ્રભાનુ સોનાવણે જુનિયર કોલેજના સ્થાપક હતા અને રાજ્યના સ્વર્ગસ્થ પ્રધાન કેશવરાવ સોનાવણેના સગા હતા.સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (એસડીપીઓ) સમીરસિંહ સાળવેએ જણાવ્યું હતું કે આ ઘટના 14 સપ્ટેમ્બરે રાતે બની હતી.
પ્રાથમિક તપાસ તેમ જ ઘટનાસ્થળે મળેલા સાંયોગિક પુરાવા સૂચવે છે કે સોનાવણેએ પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પોતાના લમણે ગોળી મારી હતી, એમ જણાવીને સાળવેએ ઉમેર્યું હતું કે પોલીસને સોનાવણેના મૃતદેહ નજીકથી સૂસાઇડ નોટ મળી આવી હતી.સાળવેના જણાવ્યા મુજબ સૂસાઇડ નોટ તેમના સંબંધીઓને બતાવવામાં આવી હતી અને તેમાંનું લખાણ સોનાવણેનું હોવાની ખાતરી તેમણે કરી હતી. જોકે સૂસાઇડ નોટની અધિકૃતતા તપાસવા પોલીસ સોનાવણેના લખાણના અન્ય નમૂના એકઠા કરી રહી છે.
સૂસાઇડ નોટમાં પોતાના મૃત્યુ માટે કોઇને પણ જવાબદાર ન ઠેરવવાનું જણાવાયું હતું અને ઉલ્લેખ કરાયો હતો કે તેઓ પોતાની મરજીથી અંતિમ પગલું ભરી રહ્યા છે.તપાસના ભાગરૂપે પોલીસ સૂસાઇડ નોટની વિગતોની તપાસ કરી રહી છે. એ સિવાય પોલીસ ટીમ નિવાસસ્થાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે અને સોનાવણેના સંબંધીઓ અને તેમની સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરાઇ રહી છે, એમ સાળવેએ કહ્યું હતું. (પીટીઆઇ)