Wed Jul 29 2026

Logo

આતમના અજવાળેઃ લાઓ ત્ઝુ: શૂન્યતાનો શણગાર ને મૌનનું સામર્થ્ય

2026-07-13 10:09:00
Author: Bhargav Thakar
Article Image

ભાર્ગવ ઠાકર 

ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીનો એ સમય હતો, જ્યારે ચીન ‘વસંત અને શરદ’ (Spring and Autumn period)ના નામે ઓળખાતા અરાજકતા અને આંતરિક યુદ્ધોના યુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સત્તા માટેના સંઘર્ષ વચ્ચે માનવીય મૂલ્યો કરમાઈ રહ્યાં હતાં. આ અશાંત વાતાવરણમાં, આજના હેનાન પ્રદેશમાં એક એવા મનીષીનો ઉદય થયો જેમણે તલવારના જોર સામે વિનમ્રતાની અને અહંકારના કોલાહલ સામે મૌનની શક્તિ પ્રસ્થાપિત કરી. સિકંદર જેવા યોદ્ધાઓએ દુનિયા જરૂર જીતી હશે, પણ જેણે શૂન્યતાને શણગાર બનાવીને પહેરી લીધી, એવા પોતાની જાતને જીતનારા વિરલ પુરુષ એટલે લાઓ ત્ઝુ (‘વૃદ્ધ જ્ઞાની’ અથવા ‘વૃદ્ધ બાળક’).

ચોઉ (Zhou) વંશના શાહી પુસ્તકાલયના રખેવાળ તરીકે વર્ષો સુધી હસ્તપ્રતો વચ્ચે બેસીને તેમણે જાણ્યું કે જ્ઞાન એ માહિતીનો સંગ્રહ નથી, પણ અહંકારનું વિસર્જન છે. શબ્દો માત્ર ઈશારા છે, સત્ય તો શબ્દોની વચ્ચે રહેલા મૌનમાં છુપાયેલું છે. ચીનના અન્ય એક પ્રખર વિદ્વાન કન્ફ્યુશિયસ જ્યારે લાઓ ત્ઝુને પહેલીવાર મળ્યા અને જીવનના આચરણ માટેના નિયમો વિશે પૂછ્યું, ત્યારે લાઓ ત્ઝુએ સમજાવ્યું કે પ્રકૃતિને તેની સહજતામાં સ્વીકારી લેવી એ જ પરમ જ્ઞાન છે. સદગુણ એ કોઈ ઓઢવાનું વસ્ત્ર નથી. આ મુલાકાત પછી કન્ફ્યુશિયસે પોતાના શિષ્યોને કહ્યું હતું: ‘પક્ષીને હું જાળથી અને માછલીને કાંટાથી પકડી શકું, પણ જે ‘શૂન્યતા’ના આકાશમાં વિહાર કરે છે એવા ડ્રેગનને સમજવા મારી પાસે કોઈ સાધન નથી.’

લાઓ ત્ઝુએ સમજાવ્યું કે ગતિ અને સર્જન હંમેશાં ‘ખાલી અવકાશ’ (Emptiness)માંથી જ જન્મે છે:

‘આપણે માટીને ઘડીને ઘડો બનાવીએ છીએ, પણ આપણું કામ તો તેની અંદર રહેલી ‘શૂન્યતા’ જ કરે છે. આપણે લાકડા અને માટીનું ઘર બનાવીએ છીએ, પણ તેની ભીતરનો ‘ખાલી અવકાશ’ જ તેને રહેવા લાયક બનાવે છે.

જીવવાની શ્રેષ્ઠ રીત કઈ? એના જવાબમાં તેમણે માત્ર નદી તરફ આંગળી ચીંધીને પાણીને પરમાત્માનો પર્યાય ગણાવ્યો. કઠોરતા એ મૃત્યુનું લક્ષણ છે અને લવચીકતા એ જીવનનું:

દુનિયાની કોમળમાં કોમળ વસ્તુ, કઠોરમાં કઠોરને પરાસ્ત કરે છે. જગતભરમાં પાણી જેવું મૃદુ અને નિર્બળ કંઈ નથી, છતાં મજબૂત અવરોધો તોડવા માટે તેની તોલે કોઈ આવી શકતું નથી.

સર્વોચ્ચ ગુણ પાણી જેવો છે, જે કોઈ પણ યત્ન વગર સૌનું પોષણ કરે છે. તે એવા નીચા સ્થાનોમાં પણ સંતુષ્ટ રહે છે, જેને લોકો તુચ્છ ગણે છે.

લાઓ ત્ઝુના જીવનનો એક અત્યંત પ્રેરક પ્રસંગ છે. જ્યારે લાઓ ત્ઝુ યુવાન હતા, ત્યારે તેમના ગુરુ શાંગ રોંગ (Shang Rong) મૃત્યુશૈયા પર હતા. ગુરુએ પોતાનું મોઢું ખોલીને લાઓ ત્ઝુને પૂછ્યું, ‘જો, મારા મોઢામાં જીભ છે?’ લાઓ ત્ઝુએ કહ્યું, ‘હા છે.’ પછી ગુરુએ પૂછ્યું, ‘મારા દાંત બચ્યા છે?’ લાઓ ત્ઝુએ જવાબ આપ્યો, ‘ના, એક પણ દાંત નથી.’ ત્યારે ગુરુએ અંતિમ બોધ આપતા કહ્યું: ‘જે કઠોર છે (દાંત), તે વહેલું નાશ પામે છે; જે કોમળ અને લવચીક છે (જીભ), તે અંત સુધી ટકી રહે છે.’ આ જ દર્શન લાઓ ત્ઝુની કવિતાઓમાં પડઘાય છે. 

માણસ જ્યારે જન્મે છે ત્યારે કોમળ અને નમ્ર હોય છે; મૃત્યુ સમયે તે કઠોર અને જડ બની જાય છે. લીલી વનસ્પતિ ખીલે છે ત્યારે લવચીક હોય છે; મૃત્યુ પામે ત્યારે સુકાઈને લાકડા જેવી થઈ જાય છે. તેથી, જે જડ છે અને ઝૂકવા તૈયાર નથી, તે મૃત્યુનો શિષ્ય છે; પણ જે નમ્ર અને કોમળ છે, તે જ જીવનનો સાચો સાધક છે.

વૃદ્ધાવસ્થામાં જ્યારે સામ્રાજ્યમાં અરાજકતા વ્યાપી ગઈ, ત્યારે આ મહાપુષલષે બધું જ છોડી દેવાનો નિર્ણય લીધો. તેઓ એક ભેંસ પર સવાર થઈ પશ્ર્ચિમની સરહદ (હાનકુગુઆન પાસ) તરફ નીકળી પડ્યા. સરહદ પર યિન-સી (Yinxi) નામના રક્ષકે તેમને રોક્યા અને આવનારી પેઢીઓ માટે જ્ઞાનનો વારસો મૂકતા જવાની વિનંતી કરી. ત્યાં બેસીને લાઓ ત્ઝુએ લગભગ 5,000 શબ્દો અને 81 કાવ્યોનો ગ્રંથ ‘તાઓ તે ચિંગ’ (Tao Te Ching) રચ્યો.

આ ગ્રંથમાં તેમણે શાસકોને પણ અદ્ભુત શિખામણ આપી હતી:

‘શ્રેષ્ઠ નાયક એ છે જેના અસ્તિત્વની લોકોને ભાગ્યે જ જાણ હોય. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થાય અને લક્ષ્ય સિદ્ધ થાય, ત્યારે લોકો ગર્વથી એમ કહે કે: ‘આ તો અમે પોતે જ કર્યું છે!’ તેઓ માનતા કે ‘પોતાને ખાલી કરવા’થી જ ભીતર પરમાત્માનો વાસ થાય છે. અહંકાર અને બળપ્રદર્શન એ અજ્ઞાનતાની નિશાની છે:

‘જે પોતાનો જ દેખાડો કરે છે, તે ક્યારેય પ્રકાશિત થતો નથી... બીજાને જાણવા એ બુદ્ધિશાળી હોવાની નિશાની છે; પણ સ્વયંને જાણવો એ જ સાચું જ્ઞાન છે. બીજાને જીતવા એ શારીરિક બળ છે; પણ પોતાની જાત પર વિજય મેળવવો એ જ સાચું સામર્થ્ય છે.

લાઓ ત્ઝુ એટલે ‘કશું જ ન કરવાની’ (Wu Wei / Non-doing) કળા. તેઓ આપણને ‘મથામણ’માંથી મુક્ત કરી ‘સ્વીકાર’ તરફ લઈ જાય છે.

લાઓ ત્ઝુ એ દિવસે સરહદ ઓળંગીને ક્યાં ગયા, તે હજુ પણ ઇતિહાસનું એક વણઉકેલ્યું રહસ્ય છે. પરંતુ 81 કાવ્યોનો આ નાનકડો ગ્રંથ આજે પણ મનુષ્યના અશાંત મનને શીતળતા આપે છે. ભેંસ પર સવાર એ વૃદ્ધ મુસાફર જાણે આજે પણ આપણને પૂછી રહ્યો છે: શું આપણે જીવન સામે લડવાને બદલે, પથ્થરો સાથે અથડાવાને બદલે તેને સ્પર્શીને નદીની માફક વહેવા માટે તૈયાર છીએ? જો હા, તો જ આપણે તે પરમ શક્તિને પામી શકીએ.