Thu Jun 18 2026

Logo

દિગ્ગજ સ્પિનર એલ. શિવરામક્રિષ્ણને એક ચોંકાવનારા આક્ષેપ સાથે કૉમેન્ટરીમાંથી લીધી નિવૃત્તિ

2026-03-21 12:21:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ 1980ના દાયકામાં કાંડાની કમાલથી દિગ્ગજ બૅટ્સમેનોને પૅવિલિયન ભેગા કરનાર અને ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની પિચો પર સ્પિન બોલિંગથી તરખાટ મચાવનાર લેગ-સ્પિનર લક્ષ્મણ શિવરામક્રિષ્ણને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની કૉમેન્ટેટરોની પૅનલમાંથી રાજીનામું આપી દીધું છે અને કૉમેન્ટરી (Commentary) બૉક્સ છોડતી વખતે તેમણે અમુક પ્રકારની નારાજગી વ્યક્ત કરી છે તેમ જ એક ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે. તેમણે બીસીસીઆઇ પર રંગભેદનો આરોપ પણ મૂક્યો છે.

મારા રંગને લીધે આ વ્યવહારઃ શિવરામકૃષ્ણન

શિવરામક્રિષ્ણન 60 વર્ષના છે. તેમણે `એક્સ' પરના પોતાના હૅન્ડલ પર જણાવ્યું છે કે તેમને મેદાન પર ટૉસ (Toss)ની જાહેરાત વખતે કે પ્રેઝન્ટેશન વખતે કૉમેન્ટેટર તરીકેની તક નથી અપાઈ. તેમણે `એક્સ'ના એક યુઝરની વાત સાથે સંમત થતા કહ્યું છે કે `મારી સાથે આવો વ્યવહાર કદાચ મારા રંગને કારણે થયો.' સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિને પણ આ વિષયમાં પ્રતિક્રિયા આપી છે.

23 વર્ષમાં ક્યારેય તક ન મળી

`શિવા' (Siva) તરીકે જાણીતા એલ. શિવરામક્રિષ્ણને સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે `મને 23 વર્ષમાં ટૉસ અને પ્રેઝન્ટેશનની તક નહોતી અપાઈ, જ્યારે આજના નવા છોકરાઓને ટૉસ રિપોર્ટ, પિચ રિપોર્ટ કરવા મળી રહ્યું છે. હું કૉમેન્ટરીની પૅનલમાંથી સંન્યાસ લઈ રહ્યો છું.'

મિયાંદાદની વિકેટ લીધી, ભારતને જિતાડ્યું

શિવરામકૃષ્ણનનો જન્મ ડિસેમ્બર 1965માં ચેન્નઈમાં થયો હતો. તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિળનાડુ ઉપરાંત બરોડા વતી પણ રમ્યા હતા. ભારત વતી તેમને 1983થી 1987 સુધી રમવા મળ્યું હતું જેમાં તેમણે નવ ટેસ્ટમાં 26 વિકેટ અને 16 વન-ડેમાં 15 વિકેટ લીધી હતી. તેમને 1983માં પ્રથમ ટેસ્ટમાં વિકેટ નહોતી મળી, પરંતુ 1984માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં તેમણે કુલ 12 વિકેટ લીધી એ સાથે જગમશહૂર થઈ ગયા હતા. 1985માં ઑસ્ટ્રેલિયામાં ભારતને બેન્સન ઍન્ડ હેજીસ વર્લ્ડ ચૅમ્પિયનશિપ જિતાડવામાં શિવાનું મોટું યોગદાન હતું. પાકિસ્તાન સામેની ફાઇનલમાં તેમણે કુલ 35 રનમાં ટૉપ-સ્કોરર જાવેદ મિયાંદાદ (48 રન), સલીમ મલિક (14 રન) તેમ જ વિકેટકીપર અનિલ દલપત (0)ની વિકેટ લીધી હતી. એ ફાઇનલમાં કપિલ દેવે ત્રણ વિકેટ તેમ જ રવિ શાસ્ત્રી અને ચેતન શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ નવ વિકેટે 176 રન કરી શકી હતી. પછીથી ભારતે રવિ શાસ્ત્રી (63 અણનમ) અને કે. શ્રીકાંત (67 રન)ની 103 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી 2/177ના સ્કોર સાથે વિજય મેળવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. શિવાએ ઑસ્ટ્રેલિયામાં ત્યારે ફાસ્ટ બોલર્સને વધુ માફક આવે એવી પિચો પર એ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 10 વિકેટ લીધી હતી.

અશ્વિને શું પ્રતિક્રિયા આપી

ભૂતપૂર્વ સ્પિનર રવિશ્ચંદ્ર અશ્વિને સોશિયલ મીડિયામાં અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘શિવરામક્રિષ્ણન આ વખતે આઈપીએલમાં કોમેન્ટરી આપતા નહીં જોવા મળે.'