ભરત પટેલ
ભગવાન શિવ સાથે ચર્ચા બાદ કુમાર કાર્તિકેય યમરાજને ઉગારવા યમલોક પહોંચે છે. કુમાર કાર્તિકેય અરુણાસુરને વિનંતી કરે છે કે યમદેવ પર સંસારચક્ર ચલાવવાની જવાબદારી છે, તેમને છોડી દો. કુમાર કાર્તિકેયની વિનંતીનો અરુણાસુર અસ્વીકાર કરતાં જ કુમાર કાર્તિકેય અને અરુણાસુર વચ્ચે યુદ્ધ થાય છે. કુમાર કાર્તિકેય અરુણાસુર પર વાર કરે છે, અરુણાસુર તેનો જવાબ ન આપતાં પાછળ ને પાછળ જતો જાય છે અને અંતે એ પોતાના માતાનું સબ જ્યાં હોય છે ત્યાં સુધી જતો રહે છે. એ દરમિયાન અરુણાસુરના સૈનિકો અરુણાસુરની માતાના શબને કુમાર કાર્તિકેયની સમક્ષ મૂકી દે છે.
કુમાર કાર્તિકેય અરુણાસુરની માતાના સડી ગયેલા શબને જોઈ ડઘાઇ જાય છે. અરુણાસુર કહે છે કે, ‘કરો પ્રહાર કરો. આ મારી માતા છે જેને યમદેવે મૃત બનાવી છે. હું ફક્ત મારી માતાને જીવંત કરવા માગું છું શું એ મારો અપરાધ છે?’ કુમાર કાર્તિકેય તેને સમજાવે છે કે તમે જે કહો છો એ અસંભવ છે, મૃત્યુ બાદ કોઈ પુન:ર્જીવિત થઈ શકતું નથી. આ પ્રકૃતિની વિરુદ્ધ છે.’ બુદ્ધિશાળી અરુણાસુર પૂછે છે ‘શું મારી માતા માટે હું યમદેવને પરાજિત ન કરી શકું? યમદેવ પરાજિત થઈ જ ગયા હતા પણ તમે આવીને યમદેવને છોડાવી લીધા. હું તમને વચન આપું છું કે જો ભગવાન શિવ મારી માતાને પુન:જીવિત કરશે તો હું આજીવન ભગવાન શિવનો સેવક બનીને રહીશ.’
મૂંઝાયેલા કુમાર કાર્તિકેય કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ કહે છે, ‘કુમાર મેં તમને યુદ્ધભૂમિમાં જતા પહેલાં જ કહ્યું હતું કે, તમે યુદ્ધભૂમિમાં ફક્ત દેવતાઓના સેનાપતિ છો, નહીં કોઈના પુત્ર, કે નહીં કોઈના પતિ. એક યોદ્ધા યુદ્ધભૂમિમાં લાગણીશીલ થઈ જાય એ યોગ્ય નથી. અરુણાસુરની માતાને પુન:જીવિત નહીં કરી શકાય.’ સામો સવાલ કરતાં કુમાર કાર્તિકેય કહે છે, ‘પિતાશ્રી શું તમે સૂર્યદેવ અને ઋષિ માર્કંડેયને પુન:જીવિત નહોતા કર્યાં.’ ચર્ચા વધુ ઉગ્ર થતાં નંદી કુમાર કાર્તિકેયને સમજાવવા જતાં કુમાર કાર્તિકેય નંદીને કહે છે, ‘નંદી મહારાજ આ એક પિતા અને પુત્ર વચ્ચે ચાલી રહેલી ચર્ચા છે, તમે દરમિયાનગીરી ન કરો તો ઉત્તમ રહેશે.’
દૂરથી આ સાંભળી રહેલા માતા પાર્વતી ક્રોધિત થઇ ત્યાં પધારે છે અને કહે છે, ‘કુમાર, મર્યાદાનું ધ્યાન રાખો, તેનું ઉલ્લંઘન કરી મને લજ્જિત ન કરો. નંદી અને તમારા પિતાની માફી માગો.’ કુમાર કાર્તિકેય દ્વારા નંદીની માફી ન મગાતા માતા પાર્વતી ક્રોધિત થાય છે અને કહે છે, ‘કુમાર જાવ અહીંથી, આ મારો આદેશ છે.’ માતા પાર્વતીનો આદેશ સાંભળી કુમાર કાર્તિકેય ત્યાંથી ચાલ્યા જાય છે. માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, ‘સ્વામિ! તમે કુમાર માટે ચિંતિત ન થાઓ, હું એને સમજાવીશ.’ દુ:ખી માતા પાર્વતી કુમાર કાર્તિકેયને સમજાવવા તેની પાસે જાય છે.
* * *
ભગવાન શિવ: ‘નંદી મારે તમને એટલું જ કહેવું છે કે તમે કુમારની વર્તણૂકનું માઠું લગાવશો નહીં, તેમના વતી હું તમારી....’
નંદી: ‘નહીં પ્રભુ નહીં! તમે આવું નહીં બોલો. કુમાર મને અત્યંત પ્રિય છે તેમની વાતથી મને માઠું લાગવાનો સવાલ જ નથી. પણ હું એવું વિચારી રહ્યો છું કે, કુમાર શું વિચારી રહ્યા હશે? એમને એવું તો નહીં લાગે ને કે દરેક વખતે તેમની ઉપેક્ષા જ થાય છે, તેમના શબ્દની કોઈ કિંમત નથી અહીં. પ્રભુ કુમારની મનોદશા અસ્વસ્થ થઈ જશે તમે એમને સાચવી લો.’
ભગવાન શિવ: ‘ચિંતા ન કરો નંદી, કુમારને વસ્તુસ્થિતિની સમજ હોવી જોઈએ, તેમણે યુદ્ધભૂમિમાં ફક્ત દેવતાઓના સેનાપતિ તરીકે યુદ્ધ લડવું જોઈએ, એક યોદ્ધા યુદ્ધભૂમિમાં લાગણીશીલ થઈ જાય એ યોગ્ય નથી. અરુણાસુરની માતાને પુન:જીવિત નહીં કરી શકાય એ જ સત્ય છે. નંદી તમે કુમારને માફ કરી તમારા કામમાં વ્યસ્ત થઈ જાઓ.’
નંદી ભગવાન શિવના આશિર્વાદ લઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.
* * *
બીજી તરફ માતા પાર્વતી કુમાર કાર્તિકેયને સમજાવવા જાય છે. કુમાર કાર્તિકેય એકાંતમાં બેઠા હોય છે.
માતા પાર્વતી: ‘કુમાર શું વિચારી રહ્યા છો. અરુણાસુર જે ઇચ્છે છે એ સંભવ નથી. એ વાત સાચી છે કે સૂર્યદેવ, વિનાયક અને ઋષિ માર્કંડેયને પુન:જીવિત કરાયા હતા પણ એમની ઉપસ્થિતિ સંસારના કલ્યાણ માટે જરૂરી હતી. સૂર્યદેવ સૃષ્ટિના દિવસ-રાતના ચક્ર માટે ખૂબ જરૂરી છે, વિનાયક સંસારના કલ્યાણ માટે અને ઋષિ માર્કંડેય દ્વારા માર્કંડેય પુરાણની રચના આવશ્યક હતી. અરુણાસુરની માતાને પુન:જીવિત કરવાથી સંસારને કોઈ ફાયદો નથી. એક સાધારણ માનવી માટે જીવન-મરણનું સંસારચક્ર તોડવું યોગ્ય નથી.’
કુમાર કાર્તિકેય: ‘માતા મેં અરુણાસુરની માતાને પુન:જીવિત કરી દિર્ઘાયુ કે અમરત્વ માટે તો નથી કહ્યું, ફક્ત થોડા સમય માટે અરુણાસુર પોતાની માતાનો પ્રેમ પામી શકે, બસ એટલું હું માગું છું. મેં અરુણાસુરને વચન આપ્યું છે, શું પિતાજી અને તમારા માટે મારા વચનનું કોઈ મૂલ્ય નથી.’
માતા પાર્વતી: ‘પુત્ર તમારે વચન આપવા પહેલા વિચારવું જોઈતું હતું, કે આવું વચન આપી શકાય. કાલે તમારી પાસે અસંખ્ય લોકો પોતાની માતાના મૃતદેહને લઈને આવશે ત્યારે તમે શું કરશો? આનું પરિણામ શું આવશે એવું તમે ન વિચાર્યું, જે વચન તમારા પિતા કે હું ન આપી શકું એ વચન તમે કઈ રીતે આપી શકો? તમને તમારા પિતાએ પહેલા જ ચેતવ્યા હતા કે યુદ્ધભૂમિમાં લાગણીશીલ ન થતાં તમે એક યોદ્ધા તરીકે યુદ્ધભૂમિમાં ઊતરજો, તમે એક સેનાપતિ તરીકે તમારી જવાબદારી નિભાવવામાં અસફળ રહ્યા છો. યુદ્ધમાં તમે ભાવુક થઈ ગયા અને વચન આપી બેઠાં. તમે કરેલી ભૂલને સંતાડવા અમે સૃષ્ટિના નિયમોનો ભંગ નહીં કરી શકીએ.’
કુમાર કાર્તિકેય: ‘હા માતા મારી ભૂલ થઈ છે, પણ મારે હવે એ વિચારવું રહ્યું કે મારાથી કઈ મોટી ભૂલ થઇ છે, વચન આપવાની કે કોઈપણ સંજોગોમાં મારા માતા-પિતા મારી સાથે છે એવું સમજવાની.’
માતા પાર્વતી: ‘કુમાર તમે ભાવુકતામાંથી બહાર આવો, સંસારના કલ્યાણનું વિચારો.’
કુમાર કાર્તિકેય: ‘અહીં વાત અરુણાસુરનો તેની માતા પ્રત્યેનો પ્રેમ અને એને એ સંભાવનાની કે એક અસુરને આસુરીશક્તિથી દૂર કરવાની, એને સારા માનવ તરીકે પરિવર્તિત કરવાની. જો એની મા જીવિત થઈ જાય તો એ આજીવન પિતાશ્રીની ભક્તિ કરવા તત્પર છે.’
માતા પાર્વતી: ‘કુમાર ભક્તિ ભક્તિ હોય છે, ભક્તિમાં ‘જો અને તો’નું કોઈ મૂલ્ય નથી હોતું. ભક્તિમાં કોઈ સોદાબાજી કે વ્યવસાય નથી હોતો. સાચો ભક્ત કોઈ દિવસ પોતાના આરાધ્ય સાથે સોદાબાજી કરતો નથી, તે પોતાનું ભવિષ્ય આરાધ્ય પર છોડી નિર્મળ ભક્તિ તરફ વળે છે અને નિર્મળ ભક્તિ કરનાર ભક્તને આરાધ્ય ક્યારેય છોડતા નથી. આરાધ્ય હંમેશાં તેમની સાથે હોય છે તેમની રક્ષા કરે છે અને મનવાંછિત ફળ આપતા રહે છે. છેલ્લે તમને એટલું કહીશ કે ભક્તમાં નિર્મળ ભક્તિ હોવી જોઈએ નહીં કે કોઈ સોદાબાજી.’
માતા પાર્વતી તરફથી કોઈ સાંત્વન કે સહકાર ન મળતાં કુમાર કાર્તિકેય ત્યાંથી ચાલ્યા જાય છે. પુત્રને આમ રિસાઈને જતાં રહેતાં માતા પાર્વતીના નેત્રમાંથી આંસુ સરી આવે છે. (ક્રમશ:)