ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભજનો કે ઉપદેશવાણી કહેવામાં આવે છે. સદગુરુ કબીરસાહેબ કહે છે: ‘હે સંતો જ્ઞાન ગરીબી સાચી.. આત્માની ઓળખ વિના, અધ્યાત્મની પૂર્ણ ઓળખાણ વિના ભેખ લઈને સાધુ થઈ ગયા હોય પણ એના દયનું પાત્ર કાચી હાંડી જેવું હોય તો એ અનુભૂતિનો અજર રસ જીરવી નહીં શકે, બ્રહ્મનો ભેદ જાણ્યા વિના ઘાંચીના બળદની માફક એક જ સ્થાને રાત-દિવસ ચક્કર માર્યા કરશે પણ આગળ એક ડગલું ય નહીં જઈ શકે.
સત્ શબ્દનો મર્મ જાણ્યા વિના તે પત્થરને, પહાડને, નદીઓના પાણીને પૂજ્યા કરશે પણ કાચું પાત્ર ક્યારે ગળી જાય એની ભાન નથી રહેતી. પાકા થવા માટે તો સમતાના તાપમાં તપવું પડે. તપસ્યા વિના કશું જ પ્રાપ્ત ન થાય. સાધુતાના બાહ્ય રંગો-આવરણો તો બીજાને ભરમાવવા માટે હોય છે. ગુરુના જ્ઞાનથી આ ઘટ ભીતર ખોજ કરો. સત્ગુરુની સેવાએ અગમભેદ મળશે. બાકી બીજા માર્ગો ખોટા છે.
બાહ્ય રૂપ રંગમાં રાચવું નહીં કારણ કે એ પતંગનો રંગ છે. તેને ઊડતાં વાર નહીં લાગે. બહાર ભટકવાની જરૂર નથી. માત્ર સુરતાનો દોર પકડીને ધ્યાન કેન્દ્રિત કરીને આદિ-અનાદિથી ચાલ્યો આવતા મૂળ શબદને, મહામંત્રને પકડી લો તો અક્ષરાતિત અવિનાશી ઓળખાઈ જશે. જે શબ્દોથી ન કહી શકાય તેવો અનિર્વચનીય, શૂન્યાતીત, નિરાધાર નિરવાણી સહજ શૂન્યઘરમાં તેનો વાસ છે તે સાહેબો સત્ગુરુની સાને સમજાઈ જશે. પણ એ માટે-સાચા હીરાને પારખવા માટે કોઈ ઝવેરી-હીરાપારખુ પાસે તાલીમ લેવી પડે.
જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી,
બિન સમજ્યા સાધુ હોઈ બેઠા, રૂદિયે હાંડી કાચી રે -
-જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી...0
ભેખ લિયા પણ ભેદ ન જાન્યા, બેલ ફરે જેમ ઘાણી,
સત્ય શબદ કા મરમ ન લાધ્યા, પૂજે પથરા પાણી રે -
સુંદર ભેખ બન્યો અતિ લાલા, ઉપર રંગ લગાયા,
કાચી હાંડી ગલ ગઈ માટી, વિરલે નીર જમાયા રે -
-જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી...0
કરડા તાપ દિયે તો બગડે, કાચી કામ ન આવે,
સમતા તાપ દિયે તો સુધરે, જતન કરીને પાવે રે-
ભેખ લઈ મુખ મીઠા બોલે, સબ કું શીશ નમાવે,
કહે કબીર સમજ પારખ બિન હીરો હાથ ન આવે રે -
-જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી...0
આ ઉપદેશમાં જ્ઞાન અને યોગનો સમન્વય કરીને મન ઉપર કાબૂ લાવવાનો ઉપાયો બતાવ્યા છે. આ શરીરનું બંધારણ જે પાંચ તત્ત્વથી થયું છે એ પૃથ્વી, પાણી, આકાશપ અગ્નિ અને વાયુ એ પાંચ તત્ત્વો; સત્ત્વ, તમ અને રજ એ ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિને જાણી લઈને એનાં મૂળ સુધી પહોંચીને એક તત્ત્વની શોધ કરવાની આ યાત્રા છે. લોકસંતોએ સાવ સીધી સાદી સરળ વાણીમાં વેદાન્તના તત્ત્વદર્શનનો અર્ક આપી દીધો હોય એમ લાગે છે.
ભેદ ન જાણે કોઈ, સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ,
- સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ....0
સાબુ લે લે પાની લે લે, મલમલ કાયા ધોઈ,
અંતર ઘટકી દાગ ન ધોવૈ, કૈસે નિર્મલ હોઈ ?...
- સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ....0
યા ઘટ ભીતર અગન જલત હૈ, ધુંવા ન પરગટ હોઈ,
દિલ જાને નહીં આપનો, તો કૈસે પરતીત હોય ?...
- સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ....0
યા ઘટ ભીતર બેલ બંધા હૈ, નિર્મલ ખેતી હોય,
સુખિયા બૈઠે ભજન કરત હૈ, દુ:ખિયા દિન ભર રોઈ...
- સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ....0
જલ બિન બેલ, બેલ બિન તુંબા, બિન ફૂલે ફૂલ હોઈ,
કહત કબીર સૂનો ભાઈ સાધો ગુરુ બિન જ્ઞાન ન હોય...
- સાહેબ તેરો ભેદ ન જાણે કોઈ....0