બાંબુ લગાવીને ગ્રીન ફોરેસ્ટ વિસ્તાર વધારાશે, કચરામાંથી વીજ નિર્માણ પ્રોજેક્ટ ઊભો કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની દુર્ગંધથી કાંજુરમાર્ગ, વિક્રોલી અને ભાંડુપ સુધીના રહેવાસીઓને થઈ રહેલા ત્રાસને ઘટાડવા માટે સુગંધિત દૃવ્યોના છંટકાવ સહિતની અનેક ઉપાયયોજના અમલમાં મૂકવાનો નિર્દેશ રાજ્ય સરકારે પાલિકાને આપ્યો છે.
મંત્રાલયમાં બુધવારે મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્ર્રાઉન્ડને મુદ્દે બેઠક કરી હતી, જેમાં દુર્ગંધથી સ્થાનિક નાગરિકોને થઈ રહેલા ત્રાસ બાબતે હાઈ કોર્ટે આપેલા નિર્દેશનુંં પાલન કરવા પર ભાર આપતા તેમણે કહ્યું હતું કે નાગરિકોને ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી નીકળતી દુર્ગંધને નિયંત્રણમાં લાવવા જૈવિક દૃવ્ય (બાયોએન્જાઈમ સ્પ્ર)નો છંટકાવ કરવો,માટી નાખવી, લેન્ડ ફીલ ગૅસ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવી તેમ જ મિસ્ટિંગ પ્રક્રિયા જેવી ઉપાયયોજના અમલમાં મૂકવી જેથી રહેવાસીઓને દુર્ગંધનો ત્રાસ થાય નહીં.
બુધવારના બેઠક દરમ્યાન ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બાંબુને મોટા પ્રમાણમાં વાવેતર કરીને ગીચ જંગલનું નિર્માણ કરીને તેનાથી દુર્ગંધ રોકવા પર કામ કરવાનો નિર્દેશ પણ નાયબ મુખ્ય પ્રધાને આપ્યો હતો. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દરરોજ ૬,૨૦૦ ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવે છે. જમીનમાં કચરો જમા કરવો, તેમાંથી ખાતર બનાવવું અને કચરાના વર્ગીકરણ આ ત્રણ પદ્ધતિએ ડમ્પિંગમાં કામ કરવામાં આવે છે. અત્યાર સુધી કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ૧૯૦ લાખ મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરવામાં આવી હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.