ચાકુથી દુકાનદાર અને કર્મચારી પર હુમલો: આરોપીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં રેકોર્ડ પરના આરોપીએ ખંડણી વસૂલવા માટે ભરરસ્તે ભારે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પેવરબ્લૉકથી દુકાનના કાચની તોડફોડ કર્યા પછી ચાકુથી હુમલો કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. દુકાનના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી, જેનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
સમતાનગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ બાળા મચ્છિન્દ્ર પાટીલ તરીકે થઈ હતી. પાટીલ વિરુદ્ધ સમતા નગર પોલીસ સ્ટેશનમાં 2011થી 2021 દરમિયાન 10 જેટલા ગંભીર ગુના નોંધાયા હતા. અગાઉ તેની ધરપકડ કરાઈ હતી અને સમયાંતરે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં હતાં. છેલ્લે 2021માં તેને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો.
કાંદિવલી પૂર્વના લોખંડવાલા સર્કલ ખાતે રહેતા પાટીલે અગાઉ પણ સંબંધિત વિસ્તારમાં ધાક જમાવવા દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારની બપોરે એક વાગ્યાની આસપાસ પાટીલે દવાની દુકાન ચલાવતા પવન યાદવને દર મહિને ખંડણી સ્વરૂપે અમુક રકમ ચૂકવવા ધમકાવ્યો હતો. યાદવે નાણાં આપવાનો ઇનકાર કરતાં આરોપીએ રસ્તા પરથી પેવરબ્લૉક ઊંચકીને દુકાન અને યાદવ તરફ ફંગોળ્યા હતા, જેને કારણે દુકાનના કાચ તૂટ્યા હતા.
રસ્તા પર લોકોની ભીડ હોવા છતાં આરોપીએ ચાકુથી ધમકાવીને યાદવ પર હુમલો કર્યો હતો. પાટીલે યાદવના ગળા પર ચાકુ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યાદવ થોડો ખસી જતાં તેના હાથ પર ચાકુનો ઘા થયો હતો. મધ્યસ્થી કરનારા દુકાનના એક કર્મચારી પર પણ ચાકુના ઘા કરવામાં આવ્યા હતા આ હુમલામાં તે ગંભીર રીતે ઘવાયો હતો.
દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દુકાને પહોંચી હતી. હત્યાનો પ્રયાસ, ખંડણી અને દહેશત ફેલાવવા બદલ પોલીસે પાટીલની ધરપકડ કરી હતી. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારતાં પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.