ચેન્નાઈઃ તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને દક્ષિણ ભારતમાં પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક એવા કે. અન્નામલાઈને લઈને દેશના રાજકારણમાં મોટી અટકળો તેજ થઈ ગઈ છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, અન્નામલાઈએ ભાજપને મૌખિક રીતે સંકેત આપ્યા છે કે તેઓ પક્ષ છોડવા માંગે છે. જો કે, હાઈકમાન્ડે હાલ પૂરતો તેમને આવો કોઈ નિર્ણય ન લેવા અને થોડી રાહ જોવા માટે જણાવ્યું છે. આ ઘટનાક્રમે તમિલનાડુના રાજકારણની સાથે ભાજપના આંતરિક વર્તુળોમાં પણ ભારે હલચલ મચાવી દીધી છે.
હજુ ઔપચારિક રાજીનામું આપ્યું નથી
દિલ્હીમાં ખાતે ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથે થયેલી હાઈપ્રોફાઈલ બેઠકો બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો છે કે અન્નામલાઈએ આ બેઠકોમાં તમિલનાડુની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને પક્ષ પ્રત્યેની પોતાની નારાજગીના કારણો પણ જણાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ હજી સુધી સત્તાવાર કે લેખિત રીતે રાજીનામું આપ્યું નથી. તેમણે માત્ર મૌખિક રીતે જ હાઈકમાન્ડને પોતાની ઈચ્છા જણાવી છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ તેમના આ નિર્ણય સાથે સહમત નથી અને ઈચ્છે છે કે તેઓ ઉતાવળમાં કોઈ પગલું ન ભરે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને ખાતરી આપી છે કે તેમની ચિંતાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
અન્નામલાઈ તમિલનાડુમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે
પૂર્વ આઈપીએસ અધિકારી રહી ચૂકેલા અન્નામલાઈ છેલ્લા કેટલાક વર્ષોમાં તમિલનાડુમાં ભાજપનો સૌથી મોટો અને આક્રમક ચહેરો બનીને ઉભર્યા છે. તેમણે માત્ર પક્ષની ઓળખ મજબૂત કરી નહોતી, પરંતુ રાજ્યમાં ભાજપના સંગઠનાત્મક વિસ્તારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અને જમીની સ્તરની સક્રિયતાને કારણે તમિલનાડુના યુવા વર્ગમાં તેઓ ખૂબ લોકપ્રિય છે. તો પછી અન્નામલાઈ કેમ ભાજપથી દૂર થવાનો વિચાર કરી રહ્યાં છે?
શું અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવવાના છે?
સૂત્રોનું કહેવું છે કે પક્ષના નેતૃત્વ દ્વારા તેમને કેન્દ્રમાં અથવા સંગઠનમાં અન્ય મોટી જવાબદારીઓ આપવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અન્નામલાઈએ તેમાં ખાસ રસ દાખવ્યો નથી. ચર્ચા એવી પણ છે કે તેઓ એક નવી જ રાજકીય પાર્ટી બનાવવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમના નજીકના લોકોનું માનવું છે કે આ નવો રાજકીય મંચ રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારશે અને તમિલનાડુની વર્ષો જૂની દ્રવિડિયન રાજનીતિના મજબૂત વિકલ્પ તરીકે ખુદને રજૂ કરશે.
નારાજગીનું મુખ્ય કારણ શું છે?
તમિલનાડુમાં પક્ષની બદલાતી રાજકીય રણનીતિ અન્નામલાઈ અને ભાજપ નેતૃત્વ વચ્ચેના મતભેદોનું મુખ્ય કારણ માનવામાં આવે છે. 2021થી લઈને 2025 સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકે અન્નામલાઈએ ભાજપને એક સ્વતંત્ર રાજકીય શક્તિ તરીકે સ્થાપિત કરવાની રણનીતિ અપનાવી હતી. તેમનું માનવું છે કે, પ્રાદેશિક પક્ષોના સહારે આગળ વધવાને બદલે ભાજપે પોતાના દમ પર રાજ્યમાં મજબૂત થવું જોઈએ. ગઠબંધનની રાજનીતિમાં પાછા ફરવાના કારણે ભાજપનો લાંબા ગાળાનો લક્ષ્યાંક નબળો પડ્યો હોવાનું તેઓ માની રહ્યા છે.
તમિલનાડુ ભાજપના વર્તમાન અધ્યક્ષ પણ દિલ્હી જશે
અન્નામલાઈના ભવિષ્યને લઈને બનેલી અનિશ્ચિતતા વચ્ચે તમિલનાડુ ભાજપના વર્તમાન અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રન પણ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરીને અન્નામલાઈને મનાવવાના પ્રયાસોનો ભાગ બનશે. હાલમાં તો ભાજપ હાઈકમાન્ડ આશા રાખી રહ્યું છે કે અન્નામલાઈને પક્ષમાં જ રહેવા માટે રાજી કરી લેવાશે. જો અન્નામલાઈ અલગ રસ્તો પસંદ કરશે, તો તે તમિલનાડુમાં ભાજપની લાંબા ગાળાની રાજકીય યોજનાઓ માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. જેથી ભાજપે તમીલનાડુમાં ફરી ઝીરોથી રાજનીતિની શરૂઆત કરવી પડશે!