અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ની અત્યાર સુધીમાં છ મૅચ રમાઈ ગઈ છે, પરંતુ કૅરિબિયન ઑલરાઉન્ડર જેસન હોલ્ડરને એ છમાંથી એક પણ મૅચમાં રમવા નથી મળ્યું. જોકે તે આ વિશેની ચર્ચામાં વધુ રસ લેવાને બદલે કહે છે કે તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાના મુદ્દે થતી ચર્ચામાં ઝૂકાવીને કારણ વગર શક્તિ વેડફી દેવા નથી માગતો.
34 વર્ષનો હોલ્ડર (HOLDER) બે સીઝન બાદ આઇપીએલમાં પાછો આવ્યો છે અને તેને જીટી (GT)ના ફ્રૅન્ચાઇઝીએ સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે પીટીઆઇ (PTI) સાથેની વાતચીતમાં કહ્યું, `કોણ રમશે અને કોણ નહીં રમે એવી બધી વાતોમાં જોડાઈને હું મારી ઊર્જા વેડફી નાખવામાં નથી માનતો. ખેલાડી તરીકે મારું કામ રમવા માટે તૈયાર રહેવાનું અને મોકો મળે ત્યારે ટીમ માટે પર્ફોર્મ કરવાનું છે.'
જીટીની ટીમમાં ઘણા મૅચ-વિનિંગ વિદેશીઓ છે અને જૉસ બટલર, રાશીદ ખાન, ગ્લેન ફિલિપ્સ તથા કૅગિસો રબાડાને જ વધુ અજમાવવામાં આવી રહ્યા છે અને હોલ્ડરનો ચાન્સ હજી નથી લાગ્યો. જોકે સોમવારે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 99 રનથી થયેલા પરાજયને પગલે જીટીની આગામી મૅચમાં હોલ્ડરને રમાડવાનો ટીમ મૅનેજમેન્ટ દ્વારા જરૂર વિચાર કરવામાં આવશે એવું મનાય છે. જીટીની આગામી મૅચ શુક્રવારે બેંગ્લૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામે રમાશે.
હોલ્ડરે પીટીઆઇ સાથેની વિશેષ વાતચીતમાં પોતાના બૅટિંગ-ક્રમ વિશે પૂછવામાં આવતાં કહ્યું, `જુઓ, ભૂતકાળમાં હું ઇચ્છતો અને ધારતો હતો એવું બનતું હતું, પણ હવે તો હું ટીમની જે જરૂરિયાત હોય એને અનુકૂળ થવામાં અને મને સોંપેલું કામ પૂરું કરવામાં માનું છું. હું અહીં માત્ર રમવા માટે જ આવ્યો છું. મને જ્યારે પણ રમવાની તક મળશે એ હું બન્ને હાથે ઝડપી લઈશ અને એન્જૉય કરતા કરતા રમીશ. મારા અનુભવને આધારે ગેમ એન્જૉય કરીશ અને ટીમને જીતવામાં મદદરૂપ થઈશ.'