રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવાર નિમિતે પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેન જુદા જુદા રૂટ પર દોડશે. 4 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન જુદા-જુદા રૂટ પર દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં રાજકોટ-દ્વારકા સ્પેશિયલ (09527)નો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. જે 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી રાત્રીના સાડા બાર વાગ્યે રવાના થશે અને સવારે 5.50 વાગ્યે દ્વારકા પહોંચશે અને આ જ ટ્રેન દ્વારકાથી સવારે 6.50 વાગ્યે નીકળશે અને બપોરે રાજકોટ પહોંચશે.
ખાસ ટ્રેન ફાળવવામાં આવી
દ્વારકા-ગાંધીનગર કેપિટલ વચ્ચે ટ્રેન દોડશે. દ્વારકા-ગાંધીનગર કેપિટલ (09522-1 ) તા.3,4 અને 5 તારીખ સુધી દોડશે. આ ટ્રેન 3 ટ્રિપ કરશે. દ્વારકાથી સવારે 06:50 વાગ્યે રવાના થઈ સાંજે પાંચ વાગ્યે ગાંધીનગર પહોંચશે. જ્યારે આ જ ટ્રેન ગાંધીનગરથી રાત્રે આઠ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 05:50 દ્વારકા પહોંચશે. આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, કાનાલુસ, રાજકોટ, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ, લખતર, ચાંદલોડિયા, આંબલી રોડ, વાંકાનેર થઈને જશે. આ સિવાય બોટાદ-સુરેન્દ્રનગર (09228-27)વચ્ચે તા.2થી 6 તારીખ સુધી પાંચ ફેરામાં ટ્રેન ટ્રિપ કરશે. બોટાદથી આ ટ્રેન બપોરે 12.10 વાગ્યે રવાના થશે અને બપોરે 1.40 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે. રાજકોટ-દ્વારકા વચ્ચે બે ટ્રેન ફાળવવામાં આવી છે.
આ રૂટ પર દિવાળીના વેકેશનનું બુકિંગ શરૂ
રાજકોટ-દ્વારકા-રાજકોટ ( 09533-34 ) ટ્રેન તા.3 સપ્ટેમબરથી 7 સપ્ટેમ્બર સુધી 4 ફેરામાં ટ્રિપ કરશે. આ ટ્રેન રાજકોટથી સાંજે 8 વાગ્યા રવાના થશે અને બીજા દિવસે 1.20 વાગ્યે પહોંચાડશે. આ જ ટ્રેન દ્વારકાથી 1.50 વાગ્યા રવાના થશે અને સવારે 6.25 વાગ્યા રાજકોટ પહોંચાડશે. તહેવાર નિમિતે ખાસ દ્વારકા જવા માટે વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી તરફ રાજકોટમાંથી પણ દિવાળી વેકેશન માટે ટ્રેન બુકિંગ શરૂ થઈ ગયા છે. ટ્રાવેલ ઑપરેટર્સના જણાવ્યા અનુસાર આ વખતે દિલ્હી, હરિદ્વાર, જયપુર, શિમલા-મનાલી અને ચંદીગઢ જેવા ડેસ્ટિનેશન પર લોકો પહેલી પસંદ ઊતારી રહ્યા છે. બીજી તરફ ઉજ્જૈન, ઈન્દૌર અને જબલપુર ભેડાઘાટ માટે પૂછપરછ વધી છે. ખાસ કરીને ટ્રેનની ડાયરેક્ટ ક્નેક્ટિવિટી હોય એવા રૂટ પર પ્રવાસીઓ જવાનું વધારે પસંદ કરે છે.