Thu Jun 11 2026

Logo

જૈનાચાર્ય રાજરત્નસૂરિશ્ર્વરજીના પ્રશિષ્ય નમ્રરત્ન વિજયજી મ.સા.ને વિહાર વખતે ટ્રક સાથે ટકરાયેલી કારે અડફેટમાં લીધા હતા

2026-03-13 11:00:00
Author: Yogesh C Patel
Article Image

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૈનાચાર્ય રાજરત્નસૂરિશ્ર્વરજી મહારાજ સાથે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી વિહાર કરતા વસઈ આવી રહેલા યુવામુનિ અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા. વિરાર નજીક પુરપાટ વેગે આવેલી કાર ટ્રક સાથે ટકારાયા પછી મહારાજના પ્રશિષ્ય નમ્રરત્ન વિજયજી મહારાજ પર ધસી ગઈ હતી. ઘટનાને પગલે વિહાર કરતા સાધુ-સાધ્વી અને તેમના અનુયાયીઓની સુરક્ષાનો પ્રશ્ર્ન ફરી ઊભો થયો હતો.

વિરાર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સુંદર કોકાટેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની વહેલી સવારે 5.15 વાગ્યાની આસપાસ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાલીવલી ગામની હદમાં બની હતી. અકસ્માતમાં 21 વર્ષના મુનિ નમ્રરત્ન વિજયજી મહારાજનું નિધન થયું હતું. આ પ્રકરણે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર જૈનાચાર્ય રાજરત્નસુરિશ્ર્વરજી મહારાજ સાથે પગપાળા વિહાર કરીને શિષ્ય અને અનુયાયી મહાવીરધામ તરફ જઈ રહ્યા હતા. વહેલી સવારે બનેલી ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવામુનિને વિરારની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ગુજરાત તરફની લેન પર એક ટ્રક ખોટકાઈ ગઈ હતી. ટ્રક પહેલી લેનમાં ઊભી રાખી ડ્રાઈવરે રિફ્લેક્ટર ચાલુ કર્યાં નહોતાં. કહેવાય છે કે વાહનધારકોનું ધ્યાન જાય તે માટે ટ્રકની પાછળ રસ્તા પર મોટા પથ્થર મૂક્યા હતા, જે હોન્ડા સિટી કારના ડ્રાઈવરને નજરે પડ્યા નહોતા.

પુરપાટ દોડતી કાર ટ્રક સાથે ટકરાયા પછી સામેથી ચાલતા આવતા મુનિ તરફ ધસી ગઈ હતી. નમ્રરત્ન વિજયજી મહારાજને અડફેટે લઈને કાર રસ્તાને કિનારે ઊભી રહી ગઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે બન્ને વાહન ટ્રક અને કારને પોતાના તાબામાં લીધાં હતાં. પ્રથમદર્શી બન્ને વાહનના ડ્રાઈવરોની ભૂલ હોવાથી તેમની વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.