યમન/તેલ અવીવ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે યમનના હુતી વિદ્રોહીઓ પણ સત્તાવાર રીતે કૂદી પડ્યા છે. શનિવારે હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલના સંવેદનશીલ સૈન્ય વિસ્તારોને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. હુતીઓના સંગઠને આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈઝરાયલ તેની આક્રમકતા બંધ નહીં કરે ત્યાં સુધી સૈન્ય કામગીરી ચાલુ રહેશે. જોકે, ઈઝરાયલના સંરક્ષણ દળોએ દાવો કર્યો છે કે યમન તરફથી આવતી મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર મર્યાદિત કરી દીધી છે. હવે હુતીઓના પ્રવેશ સાથે લાલ સમુદ્રના પ્રવેશદ્વાર સમાન 'બાબ-અલ-મંડેબ' સ્ટ્રેટ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ માર્ગ બંધ થવાથી દરિયાઈ માર્ગે થતા વૈશ્વિક વેપારને મોટો ફટકો પડી શકે છે, કારણ કે અહીંથી મોટી સંખ્યામાં માલવાહક જહાજો પસાર થાય છે.
મધ્ય-પૂર્વના આ યુદ્ધની સીધી અસર ગુજરાતના મોરબી સ્થિત સિરામિક હબ પર જોવા મળી રહી છે. ઉર્જા સંકટ અને પ્રોપેન ગેસના પુરવઠામાં અવરોધ આવવાને કારણે મોરબીના અસંખ્ય કારખાનાઓ બંધ થઈ ગયા છે. અંદાજે 6.5 ડોલર બિલિયનનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગમાં સેંકડો ફેક્ટરીઓમાં સોંપો પડી ગયો છે. અહેવાલો અનુસાર, ગેસની તંગીને કારણે તેમણે ત્રણ ફેક્ટરીઓ બંધ કરવી પડી છે અને સેંકડો શ્રમિકોને ઘરે પરત મોકલવાની ફરજ પડી છે, જેનાથી ઉદ્યોગને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે.
કોણ છે હુતી વિદ્રોહીઓ?
હુતી એ યમનના શિયા મુસ્લિમ જૈદીઓનું એક સશસ્ત્ર રાજકીય સંગઠન છે, જેની સ્થાપના 1990માં બદરૂદ્દીન અલ-હુતીએ કરી હતી. ઈરાન સમર્થિત આ જૂથ હિઝબુલ્લાહ અને હમાસની જેમ જ અમેરિકા અને ઈઝરાયેલ વિરોધી વિચારધારા ધરાવે છે. વર્ષ 2014માં યમનની રાજધાની સના પર કબજો કર્યા બાદ હુતીઓ મજબૂત બન્યા હતા અને હાલમાં તેઓ યમનના મોટા ભાગના વિસ્તારો અને લાલ સમુદ્રના તટીય વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે. દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ અને હવે યમનથી હુતીઓના હુમલાને કારણે ઈઝરાયેલ માટે મલ્ટી-ફ્રન્ટ વોરની સ્થિતિ સર્જાઈ છે.