યુદ્ધ રોકવા માટે મંત્રણા શરુઃ ફક્ત પાંચ દિવસ હુમલામાં 'બ્રેક'?
તહેરાન/વોશિંગ્ટન ડીસી: વિશ્વભરમાં ભારે તણાવ પેદા કરનાર ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ તરફ સંકેત આપતા મોટી જાહેરાત કરી છે. અગાઉ 48 કલાકનું અલ્ટિમેટમ આપનારા ડોનાલ્ડ ટ્રમ્પએ આજે અચાનક પાંચ દિવસ માટે યુદ્ધ નહીં કરવાની ચોંકાવનારી જાહેરાત કરી છે.
અલબત્ત, અમેરિકાએ હાલ પૂરતા ઈરાન પરના સૈન્ય હુમલાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અટકવાની નવી આશા જાગી છે અને વૈશ્વિક બજારો (એશિયાઈ સ્ટોકમાર્કેટ)માં પણ નેગેટિવ ઝોનમાંથી પોઝિટિવ ઉછાળા જોવા મળ્યા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે છેલ્લા બે દિવસમાં થયેલી ચર્ચાઓ ખૂબ જ સકારાત્મક રહી છે. આ પ્રગતિને જોતા તેમણે અમેરિકી યુદ્ધ વિભાગને આગામી પાંચ દિવસ સુધી ઈરાન પર કોઈપણ પ્રકારના હુમલા નહીં કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પના મતે, હવે પછીનો પ્લાન બંને દેશો વચ્ચેની વાતચીતના પરિણામ પર આધારિત રહેશે. હાલમાં 24માં દિવસે પહોંચેલા આ યુદ્ધમાં પ્રથમ વખત શાંતિ મંત્રણાના ટેબલ પર બંને પક્ષો સહમત થતા જણાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. તેમણે લખ્યું કે, "મને જણાવતા આનંદ થાય છે કે મધ્ય પૂર્વની શત્રુતાના કાયમી ઉકેલ માટે ઈરાન સાથે ઉત્પાદક વાતચીત થઈ છે. આ રચનાત્મક વાતાવરણને ધ્યાનમાં રાખીને મેં સૂચના આપી છે કે ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા સંસાધનો પરના હુમલા પાંચ દિવસ માટે મોકૂફ રાખવામાં આવે." આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે તેવી પણ તેમણે પુષ્ટિ કરી છે.
— Rapid Response 47 (@RapidResponse47) March 23, 2026
આ ભીષણ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત ઓપરેશનમાં તેહરાન પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનેઈ સહિત અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના મોત થયા હતા. આ ઘટના બાદ ઈરાને વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકી સૈન્ય બેઝ અને ઉર્જા મથકોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો હતો.
છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા સતત હુમલાઓને કારણે વિશ્વભરમાં ગંભીર ઉર્જા સંકટ ઊભું થયું છે. ઈરાન દ્વારા અમેરિકી હિતો પર કરવામાં આવેલા હુમલાઓએ સપ્લાય ચેઈનને ખોરવી નાખી હતી. હવે જ્યારે ટ્રમ્પે પાંચ દિવસનો સમય આપ્યો છે, ત્યારે જો આ મંત્રણા સફળ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત મળશે. આગામી એક અઠવાડિયું વિશ્વ શાંતિ અને તેલના ભાવ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.