તહેરાન: વિશ્વના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ દેશનો સર્વોચ્ચ નેતા સત્તા સંભાળ્યાના બે અઠવાડિયા સુધી જાહેર જનતા સામે ન આવ્યા હોય. ઈરાનમાં અત્યારે કંઈક આવું જ રહસ્યા ઘેરાયું છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ, 9 માર્ચે તેમના પુત્ર મૌજતબા ખામેનેઈને નવા સુપ્રિમ લીડર જાહેર કરાયા હતા. જોકે, ત્યારથી અત્યાર સુધી મૌજતબાનો ન તો કોઈ વીડિયો સામે આવ્યો છે, ન કોઈ તાજી તસવીર કે ભાષણ. આ સ્થિતિએ સમગ્ર વિશ્વની ગુપ્તચર એજન્સીઓમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
28 ફેબ્રુઆરીના તે જ હુમલામાં, જેમાં તેમના પિતા માર્યા ગયા હતા, મૌજતબા પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ઈઝરાયલી સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે મૌજતબા જીવતા તો છે, પરંતુ તેમની ઈજા એટલી ગંભીર છે કે તેઓ કેમેરા સામે આવી શકે તેવી સ્થિતિમાં નથી.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાને કોઈ મૃત વ્યક્તિને નેતા બનાવ્યો હોય તેવી શક્યતા ઓછી છે, પરંતુ તે ખરેખર દેશ ચલાવી રહ્યા છે કે કેમ તેના કોઈ પુરાવા નથી. અત્યાર સુધી તેમના નામે બે નિવેદનો જારી થયા છે, જે અન્ય લોકો દ્વારા વાંચવામાં આવ્યા હતા, જે તેમના સ્વાસ્થ્ય વિશેની શંકાઓને વધુ પ્રબળ બનાવે છે.
કોણ ચલાવે છે ઈરાન?
જ્યારે સર્વોચ્ચ નેતા પડદા પાછળ હોય, ત્યારે સવાલ એ થાય છે કે ઈરાનની અસલી સત્તા કોની પાસે છે? જેરુસલેમ પોસ્ટ અને અન્ય આંતરરાષ્ટ્રીય માધ્યમોના અહેવાલ મુજબ, અત્યારે ઈરાનમાં અસલી તાકાત 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) પાસે છે.
મૌજતબા માત્ર નામના જ સુપ્રિમ લીડર છે, જ્યારે જમીની સ્તરે તમામ સૈન્ય નિર્ણયો અને યુદ્ધની રણનીતિ IRGC પોતે ઘડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા ટીમ પણ અત્યારે એ જ રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે કે તેહરાનમાં અત્યારે આખરી નિર્ણય કોણ લઈ રહ્યું છે.
ઈરાન અત્યારે પોતાના દિગ્ગજ નેતાઓને એક પછી એક ગુમાવી રહ્યું છે. ૧૬ માર્ચે IRGC કમાન્ડર ગુલામરઝા સુલેમાની અને ૧૭ માર્ચે સુરક્ષા વ્યૂહરચનાકાર અલી લારીજાની ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. આમ છતાં, ઈરાન નમતું જોખવા તૈયાર નથી.
ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે સિસ્ટમ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી. ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઈરાનમાં ૧,૨૭૦ થી વધુ લોકોના મોત થયા હોવા છતાં, ઈરાને હોર્મુઝની ખાડી બંધ રાખી છે અને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. વિશ્વના ૨૦ ટકા તેલનો પુરવઠો રોકીને બેઠેલું ઈરાન પોતાની આ જીદને તાકાત ગણે છે કે નબળાઈ, તે આવનારો સમય જ બતાવશે.