Fri May 01 2026

Logo

ઈરાનના હુમલાથી ખાડી દેશોમાં 'ફફડાટ': સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તાત્કાલિક શાંતિ માટે અપીલ કરી

Tehran   2026-03-19 18:03:41
Author: mumbai samachar teem
Article Image

ન્યૂયોર્ક/તહેરાનઃ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરના દેશોમાં ઊર્જાનું સંક્ટ તોળાઈ રહ્યું છે. ઈરાન હવે અમેરિકા પાસેથી બદલો લેવાના મૂડમાં છે. ઈરાન અમેરિકા પાસેથી બદલો લેવા માટે ખાડીના દેશમાં રહેલા અમેરિકાના સૈન્ય ઠેકાણા અને બેઝકેમ્પ પર હુમલાઓ કરી રહ્યું છે. 

બીજી તરફ, આ યુદ્ધમાં હવે ક્રૂડ ઓઈલના ટર્મિનલ અને ગેસ પ્લાન્ટને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દિવસ કરતા રાત પસાર કરવી મિડલ ઈસ્ટમાં જોખમી બન્યું છે. આ યુદ્ધના કારણે હવે અખાતી દેશના પેટમાં તેલ રેડાયું છે. યુદ્ધનું પરિણામ કેવું આવી શકે છે એ વિચારીને હવે ખાડીના દેશ શાંતિની અપીલ કરી રહ્યા છે. 

યુએનના દ્વાર ખખડાવ્યા

અખાતી દેશ હવે આ યુદ્ધને અટકાવવા ઈચ્છે છે. આ પહેલા કતારે દુનિયાને કરેલી અપીલમાં પણ શાંતિનો સંદેશો હતો. હવે મિડલ ઈસ્ટના રાષ્ટ્રએ યુએનના દ્વાર ખખડાવ્યા છે. આ ઉપરાંત યુએનમાં યુદ્ધને લઈને કેટલીક મહત્ત્વની ચર્ચા કરવાની માગ કરી છે. અખાતી રાષ્ટ્રોએ જિનેવામાં આવેલા સંયુક્ત માનવાધિકાર પરિષદમાં મિડલ ઈસ્ટમાં નાગરિકો અને ઊર્જાના પાયાના ઢાંચા પર ઈરાન દ્વારા થતા હુમલાને લઈને એક તાત્કલિક બેઠક યોજવામાં આવે એવી માગ કરી છે.


અખાતી દેશ તરફથી મોકલવામાં આવેલી એક નોટમાં બહેરિન, જોર્ડન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત પર બેલેસ્ટિક મિસાઈલ તથા ડ્રોન હુમલાને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે. 

ત્રણ અઠવાડિયાથી ચાલે છે યુદ્ધ

છેલ્લા ત્રણ અઠવાડિયાથી ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં ઈરાન હવે હુમલા કરી રહ્યો છે અને લડી લેવાના મૂડમાં છે. પણ આનાથી હવે મિડલ ઈસ્ટના દેશોની ચિંતા વધી છે, કારણ કે જો યુદ્ધ હજુ વધારે ચાલ્યું તો આર્થિક રીતે નુકસાન મિડલઈસ્ટને પણ થશે. 

ઈરાન દ્વારા હોર્મુઝ ક્રિક બંધ કરી દેવાતા સમગ્ર મિડલ ઈસ્ટમાં ઊર્જાલક્ષી સુવિધાઓ ખોરવાઈ રહી છે. ક્રૂડ ઓઈલના ટર્મિનલ પર હુમલા થતા ક્રૂડ ઓઈલની કિંમતમાં રાતોરાત ઉછાળો આવ્યો છે. વૈશ્વિકસ્તરે બજેટ ખોરવાઈ એવી ભીતિ સેવાઈ રહી છે. અખાતી દેશમાં કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર કરવામાં આવેલા ઈરાન તરફી હુમલાઓ યોગ્ય નથી. 

યુએન તાત્કાલિક ધ્યાન આપે

આ વાત પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઈરાનનું આશ્વાસન હોવા છતા કોઈ પ્રકારને હુમલો થાય એ અયોગ્ય છે. અખાતના દેશો ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરે છે. હોર્મુઝમાં જહાજ પર થતા હુમલાઓ અટકાવવા માટે અપીલ કરી છે. આ સાથે અખાતી દેશના નાગરિકોને થયેલા નુકસાન અને પર્યાવરણને પહોંચેલા નુકસાનની ભરાપાઈ કરવા માટે અપીલ કરે છે.