Thu Jun 18 2026

Logo

કોણ હતા અલી લારીજાની જેમને ઈરાને ગણાવ્યા શહીદ? અઠવાડિયા પહેલા જ ટ્રમ્પને આપી હતી ધમકી

Tehran   2026-03-18 09:50:00
Author: Mumbaisamachar Team
Article Image

તહેરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના ત્રીજા સપ્તાહમાં ઈરાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, તેહરાનના અત્યંત પ્રભાવશાળી અને વ્યૂહાત્મક નેતા અલી લારીજાનીનું ઈઝરાયલી હુમલામાં મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના સંઘર્ષમાં લારીજાની ઈરાનનો મુખ્ય ચહેરો માનવામાં આવતો હતો. આ ઘટનાએ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે, જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડી રહ્યા છે.

મંગળવારે રાત્રે ઈઝરાયલી વાયુસેનાએ તેહરાનના પૂર્વમાં આવેલા પરદિસ જિલ્લામાં ચોકસાઈપૂર્વકનો હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે, લારીજાની જ્યારે તેમની પુત્રીના ઘરે હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં માત્ર લારીજાની જ નહીં, પરંતુ ઈરાની પેરામિલિટ્રી ફોર્સ 'બાસીજ' ના કમાન્ડર જનરલ ગુલામ રેઝા સોલેમાની પણ માર્યા ગયા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ કાર્યવાહીને ઈરાની નેતૃત્વને નબળું પાડવા માટેની એક મોટી સફળતા ગણાવી છે. 

ઉલ્લેખનીય છે કે, અલી લારીજાનીનો અમેરિકા વિરોધી મિજાજ છેલ્લી ઘડી સુધી અકબંધ રહ્યો હતો. નોંધનીય છે કે, મૃત્યુના માત્ર એક અઠવાડિયા પહેલા જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી. આ ધમકીમાં તેમણે ઈરાન વિરુદ્ધના પગલાંઓ બદલ અમેરિકાએ ભારે કિંમત ચૂકવવી પડશે તેવું કડક શબ્દોમાં જણાવ્યું હતું. એક તરફ તેઓ રાજદ્વારી સ્તરે સક્રિય હતા અને બીજી તરફ તેમની આ તાજી ધમકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી, જેના ગણતરીના દિવસોમાં જ ઈઝરાયેલે તેમને નિશાન બનાવ્યા છે.

અલી લારીજાની માત્ર ઈરાનના રાજકારણી જ નહોતા, પરંતુ તેઓ પશ્ચિમી દેશો સામેના આક્રમક વલણ માટે જાણીતા હતા. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન, તેમણે પરમાણુ કરાર તોડવા બદલ અમેરિકાને ખુલ્લેઆમ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. ટ્રમ્પની નીતિઓને લલકારતા લારીજાનીએ તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં. આ આક્રમક મિજાજને કારણે જ તેઓ અમેરિકા અને ઈઝરાયલની આંખમાં લાંબા સમયથી ખટકી રહ્યા હતા અને આખરે એક ભીષણ હવાઈ હુમલામાં તેમનો અંત આવ્યો છે.

67 વર્ષીય અલી લારીજાની માત્ર એક રાજકારણી જ નહીં, પરંતુ દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખમેનીના અત્યંત નજીકના સલાહકાર હતા. ફેબ્રુઆરીમાં ખમેનીના મૃત્યુ બાદ, લારીજાની ઈરાનના અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખમેની હજુ સુધી જાહેરમાં દેખાયા નથી, ત્યારે લારીજાની જ પડદા પાછળથી દેશની સુરક્ષા અને વિદેશ નીતિનું સંચાલન કરી રહ્યા હતા. તેઓ ઈરાન-ઈરાક યુદ્ધના સમયથી રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા હતા અને અત્યંત ચતુર નેતા માનવામાં આવતા હતા.

લારીજાની અને જનરલ સોલેમાની બંને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદોમાં રહ્યા હતા. જાન્યુઆરીમાં ઈરાનમાં થયેલા લોકશાહી તરફી વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે આ બંને નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા તેમના પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. લારીજાની અગાઉ સંસદના સ્પીકર તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા અને પરમાણુ કરારની વાટાઘાટોમાં પણ તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમના નિધનથી ઈરાને એક એવો અનુભવી નેતા ગુમાવ્યો છે જે શાસનની વિચારધારાને વળગી રહેવામાં મક્કમ હતો.