તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર નિયંત્રણ મુકતા વિશ્વના ઘણા દેશોમાં ઇંધણની અછત સર્જાઈ છે. એવામાં અહેવાલ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઈરાન કેટલાક જહાજો પાસેથી 20 લાખ ડોલર વસૂલ કરી રહ્યું છે.
નોંધનીય છે કે ઈરાને અગાઉ ધમકી આપી હતી કે જો યુએસ વધુ હુમલા કરશે તો હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. એવામાં ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય, અલાઉદ્દીન બોરોજેર્દીએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે જહાજો પાસેથી મોટા શુલ્ક વસુલવામાં આવી રહ્યો છે.
અલાઉદ્દીન બોરોજેર્દીએ કહ્યું કે યુદ્ધને કારણે ઈરાનને આર્થિક નુકશાન થઇ રહ્યું છે, જેની ભરપાઈ માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટ્રાન્ઝીટ ફી વસૂલવી જોઈએ. તેમણે કહ્યું કે આ પગલા અગાઉ જ લાગુ કરવામાં આવ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને 48 કલાકની ડેડ લાઈન આપી છે, જેનો ઉલ્લેખ કરીને બોરોજેર્દીએ જણાવ્યું કે ઇઝરાયલનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈરાનની પહોંચમાં છે અને માત્ર એક દિવસમાં તેને નષ્ટ કરી શકે છે.
ટ્રમ્પની ધમકી અને ઈરાનનો જવાબ:
ગઈ કાલે રવિવારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, "જો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે નહીં ખોલે, તો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે અને તેને નષ્ટ કરશે, જેની શરૂઆત સૌથી મોટા પાવર પ્લાન્ટ્સથી થશે!"
ટ્રમ્પની પોસ્ટના જવાબમાં ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ નથી. તેમણે કહ્યું, "જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ખચકાટ અનુભવી રહ્યા છે, જેમ કે વીમા કંપનીઓ યુએસ દ્વારા શરૂ કરાયેલા યુદ્ધથી ડરી રહી છે, ઈરાનથી નહીં."