તહેરાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પર મોટો હુમલો કરવાના નિવેદન બાદ ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી તે લડાઈ ચાલુ રાખશે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી હતી.
મૃત્યુનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે
આ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ લીડર ખામેનીની હત્યા માટે જવાબદાર લોકોને સજા ન મળે ત્યાં સુધી ઈરાન સંઘર્ષ ચાલુ રાખશે. આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ ઈરાને કડક વલણ અપનાવ્યું છે અને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાની અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી છે કે ખામેનીના મૃત્યુનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે.
અમેરિકન બેઝથી થનારા કોઈપણ હુમલાનો જવાબ અપાશે
આ ઉપરાંત ઈરાની રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડાએ કહ્યું કે ઈરાન દબાણ સામે ઝૂકશે નહીં અને ચેતવણી આપી કે ઈરાની સૈન્ય આ ક્ષેત્રમાં અમેરિકાના કોઈપણ હુમલાનો કડક જવાબ આપશે. રાષ્ટ્રપતિના અગાઉના નિવેદનની સ્પષ્ટતા કરતા અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાન પડોશી દેશોમાં અમેરિકન બેઝથી થનારા કોઈપણ હુમલાનો કડક જવાબ આપશે.
AI Generated Images
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી
આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક નિવેદન બહાર પાડીને ઈરાન પર મોટા હુમલાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને માફી માંગી છે અને મધ્ય પૂર્વીય પાડોશીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. તેમજ તેમની ફરીથી હુમલો નહીં કરવાનું વચન પણ આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વચન ફક્ત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓને કારણે આપવામાં આવ્યું છે.