Thu Jun 18 2026

Logo
IPL 2026:

ઇન્જર્ડ પ્રીમિયર લીગઃ આઇપીએલના 10 ખેલાડી ઈજાને કારણે ચર્ચામાં

2026-03-22 16:38:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સીઝન શરૂ થવાને માંડ છ દિવસ બાકી છે ત્યારે મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીઓ પોતાની ટીમના કેટલાક ખેલાડીઓની ઈજાને લઈને ચિંતિત છે અને ક્રિકેટના શોખીનો પણ થોડા નિરાશ છે, કારણકે તેમને તેમના અમુક મનપસંદ ખેલાડીઓ આ વખતની આઇપીએલમાં નહીં જોવા મળે અથવા શરૂઆતની થોડી મૅચોમાં તેમના પર્ફોર્મન્સથી વંચિત રહેશે.

કેટલાક પ્લેયર એવા છે જેઓ ઈજા (Injury)ને કારણે આ વખતની ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે. કોઈના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તો કોઈકને ફ્રૅકચર છે. આ વર્ષ ખૂબ વ્યસ્ત રહ્યું છે. તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપ રમાયો અને હવે બે મહિનાની આઇપીએલ શરૂ થવા જઈ રહી છે.

બીજા અમુક ખેલાડીઓ શરૂઆતની કેટલીક મૅચો નહીં રમે અને બની શકે કે અમુક વિદેશી ખેલાડીઓ મધ્ય-પૂર્વમાં ચાલતા મહાયુદ્ધને લીધે ભારત આવવાને બદલે પોતાના દેશમાં પરિવાર અને મિત્રો સાથે જ રહેવાનું પસંદ કરતા હશે.

કઈ ટીમના કયા ખેલાડીને કેવી ઈજા છે અને કોણ ટૂર્નામેન્ટમાં નથી રમવાનું અને કોણે મોડું રમવાનું પસંદ કર્યું છે એ વિશેની જાણકારી આ અહેવાલમાં આપી છે. આઇપીએલ (IPL)ની પ્રથમ મૅચ શનિવાર, 28મી માર્ચે બેંગ્લૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.

આઇપીએલ-2026ઃ ઈજાગ્રસ્ત ખેલાડીઓ વિશે જાણો...

(1) હર્ષિત રાણા (પેસ બોલર, કોલકાતા): ઘૂંટણમાં સર્જરી કરાવી. આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

(2) આકાશ દીપ (પેસ બોલર, કોલકાતા): પીઠની ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

(3) મથીશા પથિરાના (પેસ બોલર, કોલકાતા): પગની ઈજાને લીધે મધ્ય એપ્રિલમાં રમવા આવશે.

(4) પૅટ કમિન્સ (કૅપ્ટન-પેસ બોલર, હૈદરાબાદ): પીઠની ઈજાને કારણે ટૂર્નામેન્ટની મધ્યમાં રમવા આવશે.

(5) જૅક એડવર્ડ્સ (ઑલરાઉન્ડર, હૈદરાબાદ): પગની ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

(6) સૅમ કરૅન (ઑલરાઉન્ડર, રાજસ્થાન): સાથળના દુખાવાને લીધે આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

(7) જૉશ હૅઝલવૂડ (પેસ બોલર, બેંગ્લૂરુ): સાથળના પાછળના ભાગમાં દુખાવાને કારણે શરૂઆતની થોડી મૅચો નહીં રમે.

(8) નૅથન એલિસ (પેસ બોલર, ચેન્નઈ): સાથળના પાછળના ભાગમાં દુખાવાને લીધે આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

(9) મિચલ સ્ટાર્ક (પેસ બોલર, દિલ્હી): વર્કલૉડને લીધે શરૂઆતની થોડી મૅચો નહીં રમે.

(10) લૉકી ફર્ગ્યુસન (પેસ બોલર, પંજાબ): ફુલ્લી ફિટ છે, પણ નવજાત બાળક સાથે થોડો સમય વીતાવવો હોવાથી શરૂઆતની અમુક મૅચો નહીં રમે.