Wed Jun 03 2026

Logo

IndusInd Bank પર ફરી લાગ્યા ગંભીર આરોપ, વડાપ્રધાન કાર્યાલયને કરાઇ ફરિયાદ; મેનેજમેન્ટે શું છુપાવ્યું?

2026-06-03 11:52:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank) ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તેની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં, પીએમઓ અને ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત અન્ય નિયામક સંસ્થાઓને મોકલવામાં આવેલી એક નવી વ્હિસલબ્લોઅર (ખાનગીમાં માહિતી આપનાર) ફરિયાદમાં, ઇન્ડસઇન્ડ બેંકમાં કથિત ઇનસાઇડર ટ્રેડિંગ, વહીવટી નિષ્ફળતાઓ અને ફોરેન્સિક તેમજ ઓડિટ તપાસમાં રહેલી ખામીઓની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ, ₹2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગની ગેરરીતિઓને લઈને બેંકની તપાસનો વ્યાપ વધુ વધી ગયો છે.

આ ફરિયાદની એક નકલ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO), નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) અને અન્ય એજન્સીઓને પણ મોકલવામાં આવી છે. આ ફરિયાદમાં ઇન્ડસઇન્ડ બેંકના પૂર્વ ભારતના ભૂતપૂર્વ ઝોનલ હેડ સમીર અગ્રવાલ દ્વારા ઇનસાઇડર ટ્રેડિંગ, નાણાકીય રેકોર્ડમાં હેરાફેરી, માઇક્રોફાઇનાન્સ લોનની એવરગ્રીનિંગ (જૂની લોન ચૂકવવા નવી લોન આપવી), ઓડિટના અહેવાલોને દબાવી રાખવા તેમજ સિનિયર મેનેજમેન્ટ અને બોર્ડના સભ્યો દ્વારા ગેરરીતિઓ છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

816 કરોડના શેર 53 કરોડનો ફાયદો

આ ફરિયાદમાં મુખ્યત્વે બેંકના પૂર્વ ભારતના ભૂતપૂર્વ ઝોનલ હેડ, સમીર અગ્રવાલ પર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે તેમણે પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવીને કંપનીની ગુપ્ત માહિતી મેળવી હતી અને પોતાના પરિવાર તેમજ પરિચિતો દ્વારા અંદાજે ₹816 કરોડના શેરનું ટ્રેડિંગ (ખરીદ-વેચાણ) કર્યું હતું. આનાથી તેમને ₹53 કરોડથી વધુનો ખોટો નફો થયો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, સમીર અગ્રવાલના પત્નીએ એક મોટી ડીલ ફાઇનલ થાય તે પહેલાં જ 'કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ'ના 34 લાખ શેર ખરીદી લીધા હતા, જેનાથી તેમને ₹3.26 કરોડનો ફાયદો થયો હતો.

ઇન્ડસઇન્ડ બેંકનો જવાબ

બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકે આ તમામ દાવાઓ અને આરોપોને નકારી કાઢ્યા છે. બેંકનું કહેવું છે કે વ્હિસલબ્લોઅર દ્વારા ઉઠાવવામાં આવેલી તમામ ચિંતાઓની બેંકની આંતરિક નીતિ (ઇન્ટરનલ પોલિસી) હેઠળ "યોગ્ય તપાસ" કરવામાં આવી છે અને રેગ્યુલેટર (નિયામક)ના નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

બેંકે એમ પણ જણાવ્યું કે તેમણે પોતે જ કેટલાક બાબતોની જાણકારી અધિકારીઓને આપી હતી, અને આ બાબત અત્યારે તપાસ હેઠળ હોવાથી, તેઓ આના પર વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં.